પાલિતાણામાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યા, નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય
- શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવા છતાંયે મરામત કરાતા નથી.
- રોડ પર પડેલા ખાંડાઓમાં વરસાદી પાણી ભરાયા,
- કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી
ભાવનગરઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણામાં સાફ-સફાઈનો અભાવ, રોડ પર ઊભરાતી ગટરો, રોડ-રસ્તાઓની કંડમ હાલત અને પીવા માટે દૂષિત પાણી મળતુ હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. નગરપાલિકાના સત્તાધિશોને નાગરિકોએ અનેકવાર રજુઆતો કરી છતાંયે પ્રશ્નોનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. હવે પ્રજાના પ્રશ્નો ત્વરિત ઉકેલવા માટે નગરપાલિકાના સત્તાધિશોને કોંગ્રેસ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
પાલીતાણા નગરપાલિકા દ્વારા શહેરમાં સાફ-સફાઈ ગટર, રોડ રસ્તાઓમાં ખાડા રસ્તાઓમાં ભરાયેલ પાણી તેમજ પીવાના પાણીમાં ગટર અને દૂષિત ડહોળું પાણી વિતરણ સહિતના મુદ્દે નિષ્ક્રિયતા દાખવવામાં આવી રહી છે. નગરપાલિકાને અનેક વાર રજૂઆત કરવા છતાં પાલીતાણા નગરપાલિકાનું તંત્ર આ અંગે નિષ્ક્રિય હોય શહેરના નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ રોડ પર પાણી ભરાઈ જાય છે. તેમ જાહેર રોડ ઉપર ખાડાઓ પડ્યા છે. ગટર ઉભરાવાના તેમજ પીવાના પાણીમાં ગટરના પાણી ભળી જતા હોય અને ડહોળું પાણી ઘણા લાંબા સમયથી વિતરણ થતું હોય આ તમામ પ્રકારની રજૂઆત કરવા છતાં નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી મૌન ધારણ કરીને બેઠા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, શહેરમાં આગામી સાત દિવસમાં પાલિકા દ્વારા યોગ્ય નહિ કરવામાં આવે તો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કીરીટભાઈ સાગઠીયા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે દરેક ઓફિસના તાળાબંધી કરી ઘેરાવો અને ધરણા કરવામાં આવશે. આ બાબતે પાલીતાણા શહેરની જનતાના સહયોગથી પાલીતાણા નગરપાલિકાની તાળાબંધી કરી તથા ધરણા કરી ઘોર નિદ્રામાં સૂતેલ પાલિકાનું વહીવટી તંત્રને ઊંઘમાંથી જગાડવા હાકલ કરાશે.