ઈરાનના તહેરાનમાં પાણીની વિક્ટ સમસ્યા, બે સપ્ટાહમાં પાણીનો મુખ્યસ્ત્રોત સુકાવાની શકયતા
ઈરાન હાલમાં એક ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ દેશ પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ ત્યાં પીવાના પાણીની ભારે અછત સર્જાઈ છે. રાજ્ય મીડિયા મુજબ, ઈરાન છેલ્લા કેટલાય દાયકાઓના સૌથી ભયાનક દુકાળનો સામનો કરી રહ્યો છે, જેના કારણે રાજધાની તેહરાન માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત આગામી બે અઠવાડિયામાં સૂકાઈ જવાની શક્યતા છે.
તેહરાન વોટર કંપનીના ડિરેક્ટર બેહઝાદ પારસાએ જણાવ્યું હતું કે, શહેરને પાણી પૂરું પાડતા પાંચ મુખ્ય બંધોમાંથી એક અમીર કબીર ડેમમાં હાલ માત્ર 1.4 કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાનો માત્ર 8 ટકા ભાગ છે. પારસાએ ચેતવણી આપી છે કે, હાલની સ્થિતિમાં આ ડેમ માત્ર બે અઠવાડિયા સુધી જ તેહરાનને પાણી પૂરૂં પાડી શકશે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ઈરાનની રાજધાની અને દેશનો મોટો ભાગ વરસાદના અભાવ અને વધતા તાપમાનથી કંગાળ થઈ રહ્યો છે.
પારસાએ જણાવ્યું કે, ગયા વર્ષે આ જ ડેમમાં 8.6 કરોડ ઘન મીટર પાણી હતું, પરંતુ આ વર્ષે તેહરાન વિસ્તારમાં વરસાદમાં 100 ટકા ઘટાડો નોંધાયો છે. જોકે, તેમણે અન્ય રિઝર્વોયરો (જળાશયો)ની સ્થિતિ વિશે માહિતી આપી નથી. તેહરાનની એક કરોડથી વધુની વસ્તી રોજગારી માટે પાણી પર ભારે નિર્ભર છે. ઈરાની મીડિયા મુજબ, શહેરના લોકો દરરોજ લગભગ 30 લાખ ઘન મીટર પાણી વાપરે છે. વધતી અછતને ધ્યાનમાં રાખીને સરકારએ અનેક વિસ્તારોમાં પાણીની સપ્લાય ઉપર કામ મુકવાનું શરૂ કર્યું છે. જેથી ગરમીના આકરા દિવસોમાં પાણીની સમસ્યામાં થોડી રાહત મળી શકે.
ગયા જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં પાણી અને ઊર્જા બચાવવા માટે બે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી. તે સમયે દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ, અને કેટલાક વિસ્તારોમાં તો 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું હતું. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને એ સમયે ચેતવણી આપી હતી કે, “આજે જે પાણીના સંકટ પર ચર્ચા થઈ રહી છે, આવનારા સમયમાં તે ક્યાંક વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરશે.”