ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે
- લઘુત્તમ તાપમાનમાં 5થી 6 ડિગ્રીનો ઘટાડો
- ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ ઠંડીમાં વધારો કર્યો
- કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યુ
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ લોકોને ધ્રુજાવી દીધા છે.બેથી ત્રણ દિવસ ઠંડીમાં વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે જે ઉત્તરાયણ સુધી યથાવત્ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં એક દિવસની રાહત બાદ ફરીવાર તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. કચ્છનું નલિયા ફરી 6 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તથા 10 ડિગ્રીમાં રાજકોટ-પોરબંદર ઠંડુગાર થયું છે. પવનના કારણે ઠંડીનું જોર વધ્યું છે. જોકે, આ વચ્ચે માવઠાની આગાહી પણ છે. હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણમાં મોટા સંકટની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં પાંચથી છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે જેથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતા ફરી એક વખત લઘુતમ તાપમાન ગગડ્યું છે. આ ઉપરાંત હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી હિમવર્ષા થયા બાદના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. જેથી તાપમાનમાં ઘટાડો આવી રહ્યો છે.
ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ગુજરાતમાં ઠંડી વધી છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા ઠંડો પવન શરૂ થયા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના શરૂ થયા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી વધી છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. મહત્ત્વનું છે કે, નલિયામાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટમાં પણ 24 કલાકમાં છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટીને ગતરાત્રિએ 10.4 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમરેલી અને પોરબંદરમાં 11 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યનાં અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે.