દિલ્હી-NCRમાં કેટલીક શાળાઓને બોમ્બની ધમકીઓ મળી, કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યા
નવી દિલ્હીઃ સોમવારે ઘણી શાળાઓને બોમ્બની ધમકીઓ મળ્યા બાદ રાજધાની દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક શાળાઓ ખાલી કરાવી હતી અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી હતી. આ ધમકીઓ શાળાઓને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવી હતી.
આ કેસની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્પેશિયલ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેમને શરૂઆતની શોધમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસ ટીમો હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ઇમેઇલ ક્યાંથી આવ્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ ધમકીઓ ડીપીએસ દ્વારકા, મોર્ડન કોન્વેન્ટ સ્કૂલ (સેક્ટર 4, દ્વારકા) અને શ્રીરામ વર્લ્ડ સ્કૂલ (સેક્ટર 10, દ્વારકા) સહિત ઘણી શાળાઓને મોકલવામાં આવી હતી. સાવચેતી તરીકે, શાળા વહીવટીતંત્રે વાલીઓને બાળકોને પાછા બોલાવવા માટે સંદેશા મોકલ્યા હતા અને શાળા દ્વારા કડક સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની ખાતરી આપી હતી.