અમદાવાદમાં 12મી અને 13મી ઓક્ટોબરે શહેરી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે
- શહેરના બ્રિજો અને અન્ય સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાશે,
- સફાઈકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરાશે,
- AMC દ્વારા 27 કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
અમદાવાદઃ ગુજરાતની આ શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષ બાદ 2025ના વર્ષને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં છે. રાજ્યમાં શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત તેમજ વિકાસ સપ્તાહની ઉજવણી 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર 2025 સુધી કરવામાં આવશે. જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 12 અને 13 ઓક્ટોબર દરમિયાન શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 7 ઝોનના 75 સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ કરાશે, તેમજ AMC દ્વારા 27 કરોડથી વધુના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે, આ ઉપરાંત સફાઇ કર્મચારીઓ માટે મેડિલક કેમ્પ યોજાશે
શહેરી વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેરમાં 12 અને 13 ઓક્ટોબર દરમિયાન વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. એએમસી દ્વારા રૂ.27 કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન હેલ્થ કાર્ડ, આભા કાર્ડ, વયવંદના કાર્ડ, ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવશે. જ્યારે યુ.સી.ડી વિભાગ દ્વારા શહેરના તમામ વોર્ડમાં પીએમ. સ્વનિધી યોજના અંતર્ગત ચેકનું વિતરણ કરવામાં આવશે.
એએમસીની સૂત્રોના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ પાંચ સ્થળો પર વેસ્ટ ટુ આર્ટ સ્કલ્પચર સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો અને શૈક્ષણિક સંસ્થાના બાળકોને જોડીને 7 ઝોનના 75 સ્થળો પર વોલ મ્યુરલ્સ પેઇન્ટિંગ થશે. મ્યુનિના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા બ્રિજની સુશોભિતમાં વધારો કરવા બ્રિજના ક્રેશ બેરિયર પર ડિજિટલ પેઇન્ટિંગ કરવામાં આવશે. શહેરમાં 7 મોબાઇલ RRR વાન થકી કૂલ 25 RRR સેન્ટર કાર્યરત કરવામાં આવશે. બગીચા ખાતા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.
શહેરી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરના દરેક મસ્ટર પર કૂલ 11,000 સફાઇ કર્મચારીઓ અને 1955 સફાઇ મિત્રોના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સફાઇ મિત્રો માટે સેફ્ટી ડ્રાઈવ તેમજ સેફ્ટી કિટનું વિતરણ પણ થશે. એટલું જ નહીં, શહેરના તમામ વૃદ્ધાશ્રમો, મહિલા વિકાસ ગૃહો, ભિક્ષુક ગૃહો,શેલ્ટર હોમ વગરે જેવા સ્થળો પર પણ મેડિકલ કેમ્પ યોજાશે.
આ ઉપરાંત શહેરના 7 ઝોનમાં વિષય આધારિત સ્ટ્રીટ પ્લે, સ્વચ્છતા રેલી, સફાઇ અંગે જાગૃતિ અભિયાન, સાંસ્કૃતિ કાર્યક્રમ, સાયક્લોથોન, પોસ્ટર પ્રતિયોગિતા, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અ.મ્યુ.કો.દ્વારા કોર્પોરેશનના સફાઇ કામદારોના બાળકોને કારર્કિદી માર્ગદર્શન અને ઉત્સાહ વર્ધન માટે પ્રોત્સાહક કાર્યક્રમ પણ યોજાશે.