સાઉદી અરેબિયામાં પાકિસ્તાની સહિત સાત શખ્સોને ફાંસીની સજા અપાઈ
નવી દિલ્હીઃ સાઉદી અરેબિયામાં સાત લોકોને મોતની સજા આપવામાં આવી છે. આ સાત લોકોમાંથી પાંચને ડ્રગ્સની હેરાફેરી માટે સજા થઈ છે. જ્યારે અન્ય બે લોકોને અન્ય કેસમાં ફાંસીની સજા આપવામાં આવી છે. સાઉદી પ્રેસ એજન્સી (SPA)એ જણાવ્યું કે, મૃત્યુદંડની સજા પામેલાઓમાં એક પાકિસ્તાની નાગરિકનો પણ સમાવેશ થાય છે. તેમજ બે સાઉદી નાગરિકો પણ સામેલ છે, તેની સાથે ચાર યમનના નાગરિકોને પણ ફાંસી આપવામાં આવી છે.
સાઉદી ગૃહ મંત્રાલયને ટાંકીને, એસપીએએ અહેવાલ આપ્યો કે ચાર યમન નાગરિકો (યાહ્યા લુત્ફુલ્લાહ, અલી અજીબ, અહેમદ અલી અને સાલેમ નહારી) ને દક્ષિણી પ્રાંત અસિરમાં હશીશની દાણચોરી કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી. જ્યારે ડ્રગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા એક પાકિસ્તાની નાગરિકને પણ ફાંસી આપવામાં આવી હતી.
સાઉદી અરેબિયામાં 2024ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં એટલે કે ઓક્ટોબર 2024 સુધીમાં કુલ 236 લોકોને મોતની સજા આપવામાં આવી છે. જેમાંથી 71 લોકોને ડ્રગ્સની હેરાફેરી માટે ફાંસીની સજા આપવામાં આવી છે. સાઉદી અરેબિયા સીરિયા અને લેબનોનથી આવતા નશાકારક ડ્રગ કેપ્ટાગનનું મુખ્ય બજાર બની ગયું છે. જેની સામે સાઉદી સરકારે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું છે કે સાઉદી અરેબિયા દુનિયાના ટોચના દેશોમાં સામેલ છે જે ફાંસીની સજા કરાવે છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે 2023માં સાઉદીએ ચીન અને ઈરાન પછી વિશ્વમાં ત્રીજા સૌથી વધુ કેદીઓને મોતની સજા આપી છે. માનવાધિકાર જૂથોએ સાઉદી અરેબિયાની મૃત્યુદંડ માટે સતત ટીકા કરી રહ્યાં છે.