અગરતલા રેલવે સ્ટેશન પરથી સાત બાંગ્લાદેશી નાગરિક ઝડપાયા
નવી દિલ્હીઃ અગરતલા રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની સંયુક્ત ટીમ દ્વારા બે અલગ-અલગ કેસમાં કુલ સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો અને બે દાણચોરોનો સમાવેશ થાય છે.
એક અહેવાલ મુજબ, ચાર બાંગ્લાદેશી નાગરિકો અને બે દાણચોરો ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ લોકો કોઈપણ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. તે જ જગ્યાએથી સાંજે અન્ય એક બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. એસીપી તાપસ દાસે જણાવ્યું હતું કે, "આ આરોપીઓ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે."
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવામાં મદદ કરનારાઓની ટૂંક સમયમાં જ ઓળખ કરવામાં આવશે અને ધરપકડ કરવામાં આવશે. છેલ્લા પાંચ મહિનામાં અગરતલા રેલવે સ્ટેશન પરથી લગભગ 100 વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 87 બાંગ્લાદેશી નાગરિકો સામેલ છે.
ત્રિપુરા બાંગ્લાદેશ સાથે 856 કિમી લાંબી સરહદ ધરાવે છે, જેમાંથી મોટાભાગની કાંટાવાળા તારની વાડ છે, જો કે કેટલાક સ્થળો હજુ પણ વાડ વગરના છે. સુરક્ષા દળોનું કહેવું છે કે આ ગેરકાયદે પ્રવેશ અને દાણચોરીનું કારણ હોઈ શકે છે અને આ સમસ્યાને રોકવા માટે તેઓ સરહદ પર વધુ કડક દેખરેખ રાખવાની યોજના બનાવી રહ્યા છે.