For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને પગપાળા જતા યાત્રાળુંઓ માટેના સેવા કેમ્પો શરૂ થયા

05:03 PM Aug 25, 2025 IST | Vinayak Barot
અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને પગપાળા જતા યાત્રાળુંઓ માટેના સેવા કેમ્પો શરૂ થયા
Advertisement
  • સેવા કેમ્પોમાં શૌચાલયો અને સ્નાનગૃહની વ્યવસ્થા,
  • અંબાજીમાં તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે,
  • મેળામાં પાર્કિંગ સુવિધા માટે અનોખી વ્યવસ્થા

અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે મહા મેળામાં પાર્કિંગ સુવિધા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે.  ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે વિશેષ વ્યવસ્થા કરી છે. યાત્રાળુઓની સગવડ માટે માર્ગ પર અનેક સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.  મોટાભાગના સેવા કેમ્પોમાં શૌચાલયો અને સ્નાનાગૃહની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement

અંબાજીમાં ભાદરવી પૂનમના માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ, મહેસાણા સહિત શહેરોમાંથી અનેક લોકો પદયાત્રા કરીને અંબાજી પહોંચતા હોય છે. આથી પદયાત્રીઓ માટે રોડની બન્ને સાઈડ પર ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિસનગરના કડા હાઇવે રોડ પર દર્શન હોટલ સામે વિશેષ કેમ્પ કાર્યરત છે. આ કેમ્પમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ શૌચાલય છે. ગરમ પાણી સાથે સ્નાનગૃહની સુવિધા પણ ઉપલબ્ધ છે.

ગાંધીનગરથી અંબાજી સુધીના માર્ગ પર વિવિધ સ્થળોએ આવા કેમ્પ ઊભા કરાયા છે. વાસણીયા મહાદેવ, ગોઝારિયા, સતલાસણા, જલોત્રા, દાંતા, વિજયનગર અને ખેડબ્રહ્મા ખાતે પદયાત્રીઓને આ સુવિધાઓ મળશે. લાંબી પગપાળા યાત્રા કરતા ભક્તોને પૂરતો આરામ અને સ્વચ્છતા મળી રહે એ આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. યાત્રાળુઓની યાત્રા સરળ અને આરામદાયક બને તે માટે તમામ ભક્તોને આ સુવિધાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

ચાલુ વર્ષે અંબાજી ખાતે આવનાર વાહનો માટે ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માત્ર પાંચ સ્ટેપમાં પોતાના વાહનનું નિઃશુલ્ક પાર્કિંગ બુક કરી શકે છે. ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે. આ માટે સૌપ્રથમ પોતાના મોબાઇલમાં ગૂગલ પ્લે સ્ટોર/ એપ સ્ટોરમાંથી "Show my Parking" એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ નંબર થકી લોગ ઇન કર્યા બાદ મેઇન ડૅશ બોર્ડમાં "અંબાજી ભાદરવી પૂનમ મહા મેળો 2025" ઇવેન્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તારીખ પસંદ કરીને વાહન નંબર નાખીને પાર્કિંગ સ્થળ સિલેક્ટ કરવાનું રહેશે. આ વિગતો ભરીને "Book" પર ક્લિક કરતા તરત જ ફ્રી પાર્કિંગ ટિકિટ અને QR કોડ સાથે ગૂગલ મેપ લોકેશન મેળવી શકાશે.

Advertisement
Tags :
Advertisement