વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, તબિયત સ્થિર
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને ભારતના ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણીને શનિવારે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મેડિકલ તપાસ અને સારવાર માટે ICUમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસને માહિતી આપી છે કે 97 વર્ષીય અડવાણીની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરોની દેખરેખમાં છે.
હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લાલકૃષ્ણ અડવાણીને ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના આઈસીયુમાં તબીબી તપાસ અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ ડૉ. વિનીત સુરીની દેખરેખ હેઠળ છે અને હાલ તેમની હાલત સ્થિર છે. આ પહેલા આ વર્ષે ઓગસ્ટમાં પણ અડવાણીને ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ વર્ષે માર્ચમાં તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચી (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમણે 1942માં સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાઈને જાહેર જીવનની શરૂઆત કરી હતી. તેમણે 1986 થી 1990, 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી ત્રણ વખત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી છે.