હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેમેસ્ટર-2ની પરીક્ષાનો પ્રારંભ
- વિવિધ ફેકલ્ટીના એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા
- ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ રહી છે
- ગેરરીતિ અટકાવવા 5 ફ્લાઈંગ સ્કવોર્ડ તૈનાત
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વાર્ષિક પરીક્ષાનો ત્રીજો તબક્કાનો પ્રારંભ થયો છે. સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની 46 પરીક્ષાઓમાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લામાં પરીક્ષાઓ ત્રણ સેશનમાં યોજાઈ રહી છે. સવારે 8થી 11, બપોરે 12થી 3 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે 5 ફ્લાઈંગ સ્ક્વોર્ડ તૈનાત કરવામાં આવી છે.
રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક સેમેસ્ટર-2ની 46 પરીક્ષાનો પ્રારંભ થયા છે. સવારે 8થી 11, બપોરે 12થી 3 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. યુનિના પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષામાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલપતિ કે.સી. પોરિયાના જણાવ્યા મુજબ, નિયમિત ઓબ્ઝર્વર ટીમ ઉપરાંત દરેક જિલ્લામાં ફ્લાઇંગ સ્કોડની ટીમ કાર્યરત છે. આ ટીમ અચાનક પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે. કોઈ કેન્દ્ર પર ગેરરીતિનો રિપોર્ટ આવશે તો તે પરીક્ષા કેન્દ્ર બંધ કરવામાં આવશે.
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયા, રજિસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયાના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પાંચ જિલ્લાની સરકારી કોલેજોને ફ્લાઇંગ સ્કોડની જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉના બે તબક્કાની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે.