For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ રૂ. 1 કરોડનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર માર્યાં

10:00 PM Sep 22, 2025 IST | revoi editor
છત્તીસગઢમાં સુરક્ષાદળોએ રૂ  1 કરોડનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર માર્યાં
Advertisement

રાયપુર : છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના ટોચના નેતાઓ કોસા અને રાજૂ ઉર્ફે વિકલ્પ ઠાર મરાયા છે. કોસા નક્સલવાદી સંગઠનની સેન્ટ્રલ કમિટીમાં સભ્ય હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. જ્યારે રાજૂ ઉર્ફે વિકલ્પ પર 70 લાખ રૂપિયાનું ઈનામ હતું. બંને લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓની વોન્ટેડ યાદીમાં સામેલ હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોને આ વિસ્તારમાં નક્સલીઓની હાજરી અંગે ચોક્કસ ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આ દરમિયાન નક્સલીઓએ ફોર્સ પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી દરમિયાન બંને ટોચના નક્સલી નેતાઓ ઠાર મરાયા હતા. ઘટનાસ્થળેથી AK-47 રાઈફલ, વિસ્ફોટકો અને મોટી માત્રામાં નક્સલી સામગ્રી મળી આવી છે.

નારાયણપુરના એસપી ડૉ. જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે, આ કાર્યવાહી નક્સલી સંગઠન માટે મોટો ઝટકો છે. કોસા અનેક મોટી ઘટનાઓનો માસ્ટરમાઈન્ડ ગણાતો હતો, જ્યારે રાજૂ ઉર્ફે વિકલ્પ પણ સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો. છત્તીસગઢમાં છેલ્લા એક વર્ષથી નક્સલ વિરોધી ઝુંબેશ વધુ તેજ બન્યો છે. અત્યાર સુધીમાં 36 નવા સુરક્ષા કેમ્પ ઉભા કરાયા છે. 496 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, 193 નક્સલવાદીઓ ઠાર મરાયા છે અને લગભગ 900 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર અને સુરક્ષા એજન્સીઓએ માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હવે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે માત્ર સાત મહિના બાકી છે. હાલમાં બીજાપુર જિલ્લો સૌથી વધુ માઓવાદી પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે નક્સલવાદ સામેની નિર્ણાયક લડત બીજાપુર અને આસપાસના વિસ્તારોમાં જ થશે. સ્થાનિક સ્તરે રસ્તા, પુલ, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓની વધતી પહોંચ પણ નક્સલવાદ પર અંકુશ લગાવી રહી છે. કોસા અને રાજૂ જેવા ટોચના નક્સલીઓના ઠાર થવાથી નક્સલવાદી નેટવર્કને વ્યૂહાત્મક સ્તરે મોટો આંચકો લાગ્યો છે.

Advertisement
Tags :
Advertisement