છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 18 નક્સલીઓ ઠાર માર્યાં
નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરરેગુટ્ટાના વિશાળ અને દુર્ગમ ટેકરીઓમાં છેલ્લા બે અઠવાડિયાથી સુરક્ષા દળો નક્સલ વિરોધી કાર્યવાહી ચલાવી રહ્યા છે. આ ઓપરેશન હેઠળ, મોડી રાત્રે એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 18 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધવાની શકયતા છે. માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ કામગીરી છેલ્લા 15 દિવસથી સતત ચાલી રહી છે. જેમાં ઘણા નક્સલીઓ માર્યા ગયા છે. કરરેગુટ્ટા વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ શોધ કામગીરીને પડકારજનક ગણાવવામાં આવી રહી છે, પરંતુ સુરક્ષા દળો સર્ચ અને પેટ્રોલિંગ કામગીરી ચલાવી રહ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કેટલાક ટોચના નક્સલવાદી નેતાઓ અને બટાલિયન નંબર વનની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી. સુરક્ષા દળો અન્ય ઘણા ઠેકાણાઓ પર કાર્યવાહી ચાલુ રાખી રહ્યા હોવાથી માર્યા ગયેલા નક્સલીઓની સંખ્યા વધુ વધી શકે છે તેવી અપેક્ષા છે.
જોકે, સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી આ એન્કાઉન્ટરની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ભૂતકાળમાં પણ કરરેગુટ્ટા પહાડી વિસ્તાર નક્સલવાદી પ્રવૃત્તિઓ માટે જાણીતો રહ્યો છે. આવી સ્થિતિમાં, સુરક્ષા દળોની આ કાર્યવાહીને આ સમગ્ર વિસ્તારમાં નક્સલી નેટવર્કને નબળું પાડવાની દિશામાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.