ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં, એક જવાનનું મોત
પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠનના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના એક કેપ્ટન માર્યા ગયા હતા. આ માહિતી પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા અને જનસંપર્ક શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આપવામાં આવી હતી.
સેનાની મીડિયા વિંગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ ગુપ્તચર આધારિત ઓપરેશન (IBO) શરૂ કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેપ્ટન હસનૈન અખ્તરનું અથડામણ દરમિયાન મૃત્યુ થયું હતું. ISPR એ જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, આ આતંકવાદીઓ વિવિધ કાયદા અમલીકરણ એજન્સીઓ સામે અનેક હુમલાઓ તેમજ નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા. તેમણે કહ્યું, "વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને સુરક્ષા દળો દેશમાંથી આતંકવાદના ખતરાને દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે..."
2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. ખાસ કરીને સરહદી પ્રાંત ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં કાયદા અમલીકરણ અધિકારીઓ અને સુરક્ષા દળોને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે.