પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો, છ આતંકવાદી ઠાર મરાયાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આત્મઘાતી હુમલાના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠનના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો આતંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં છ આતંકવાદી માર્યા ગયા, પરંતુ ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા.
ડેરા ઇસ્માઇલ ખાનના ડિસ્ટ્રિક્ટ પોલીસ ઓફિસર (DPO*ના નેતૃત્વમાં આ આખું ઓપરેશન હાથ ધરાયું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનમાં TTPના આતંકી હુમલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં વધી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ પાકિસ્તાન માટે નવી ચિંતાનો વિષય બની છે.
અન્ય એક ઘટનામાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચનાબ નગરમાં આવેલી બેત-ઉલ-મહદી મસ્જિદ પર જુમ્માની નમાઝ બાદ આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં મસ્જિદના ઘણા સ્વયંસેવકો ઘાયલ થયા હતા, જ્યારે એક હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો હતો.