ઘોઘામાં સંરક્ષણ દીવાલ તૂટતા દરિયાના પાણી ગામમાં ફરી વળ્યા
- દરિયાના પાણી જેટીરોડઅને માછીવાડા સહિત વિસ્તારોમાં ભરાયા
- અંગ્રેજોના સમયમાં સંરક્ષણ વોલ બનાવવામાં આવી હતી
- હાઈટાઈડના સમયે દરિયાના પાણી ગામમાં ઘૂસી જતા હોય છે
ભાવનગર: જિલ્લાના ઘોઘા ગામે અગ્રેજકાળમાં બનાવેલી ગામ ફરતેની સંરક્ષક દીવાલ તૂટી ગઈ છે. દીવાલ તૂટી જતા દરિયાના પાણી અવાર-નવાર ગામમાં ઘૂંસી જાય છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. હાલ દરિયાના પાણી ઘોઘા ગામમાં સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડામાં ભરાયા છે. લાઈટ હાઉસ, સરકારી જૂનું ગેસ્ટ હાઉસ, પીરાણા પીરની દરગાહ વિસ્તાર પાણીમાં ગરકાવ છે.
ઘોઘાના દરિયાની પ્રોટેક્શન વોલનું નિર્માણ અંગ્રેજોના સમયમાં કરવામાં આવ્યું હતું. આ દરિયાઈ સંરક્ષણ દીવાલ તૂટતાં ગામ દરિયાના પાણી ઘૂંસી જાય છે. જે મામલે તંત્રની ઘોર નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. જેના લીધે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાઈટાઈડના સમયે દરિયાના પાણી ગામમાં ઘૂસી જતા હોય છે. અમાસના સમયે ભરતી આવે છે ત્યારે મોટા પ્રમાણમાં દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતું હોય છે. દરિયાકાંઠે આવેલા ગામના લગભગ 25 ટકા વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળતાં હોય છે. સ્થાનિકોના ઘરોમાં બે-ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હોય છે ગામના સ્થાનિક લોકો, માછીમારો દ્વારા આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. આ દિવાલનું કામ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ત્રણ અલગ અલગ સરકારી વિભાગો હસ્તક તેની કામગીરી આવતી હોય છે. આ ત્રણેય વિભાગ મળીને કામ કરશે ત્યારે આ પ્રોટેક્શન દિવાલનું કામ થઈ શકશે. જોકે, હજુ પણ આ થોડી ઘણી જર્જરિત દિવાલ હોવાને કારણે આટલું પણ બચી શકાય છે. પરંતુ જો આવનારા સમયમાં આ દિવાલનું નામોનિશાન નહીં રહે ત્યારે આગળના વિસ્તારમાં રહેતા લોકોને પોતાના ઘર છોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે.