મોરબી-વાંકાનેક હાઈવે પર કન્ટેનરની અડફેટે સ્કૂટરસવાર પત્નીનું મોત, પતિને ઈજા
- હાઈવે પર મકનસર ગામ નજીક કન્ટેનરે એક્ટિવા સ્કૂટરને અડફેટે લીધુ,
- પતિ-પત્ની સ્કૂટર પર નૈવેદ કરવા જઈ રહ્યા હતા,
- પોલીસે ટ્રક-કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી,
મોરબીઃ હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે મોરબી-વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મોરબી-વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક કન્ટેનર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવા સ્કૂટર સવાર દંપતીમાંથી પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિને ઈજાઓ થઈ હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે,મોરબી-વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક સવારે 10:30 વાગ્યાના અરસામાં જોધપર (નદી) ગામના વતની અને હાલ મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહેલ તેમની પત્ની રંજનબેન ભુપેન્દ્રભાઈ ગોહેલ સાથે એક્ટિવા (GJ 36 P 6486) પર જઈ રહ્યા હતા. મકનસર ગામ પાસે નેશનલ હાઈવેની કટમાંથી પસાર થતી વખતે ટ્રક કન્ટેનર (GJ 39 T 0392)ના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ ગોહેલને હાથ, પગ અને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ થઈ હતી. જોકે, તેમની પત્ની રંજનબેન રોડ પર પટકાતા ટ્રકનું પાછળનું ટાયર તેમના શરીર પર ફરી વળ્યું હતું, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
મૃતક મહિલાના દીકરા વિજયભાઈ ઉપેન્દ્રભાઈ ગોહેલ (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક કન્ટેનર નંબર GJ 39 T 0392ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલકને પકડવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.