કડકડતી ઠંડીને લીધે રાજકોટ જિલ્લાની શાળાઓનો સમય મોડો કરાયો
• જિલ્લાના 11 તાલુકામાં સ્કૂલો અડધો કલાક મોડી શરૂ થશે
• બપોરની પાળીમાં પણ સમય અડધો કલક મોડો રહેશે
• શાળા છૂટવાનો સમય પણ અડધો કલાક વધુ રહેશે
રાજકોટઃ ગુજરાતમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર અસર પડી છે. ત્યારે વહેલી સવારે કડકડતી ઠંડીને લીધે શાળાએ જતાં બાળકોની હાલત કફોડી બનતી હોય છે. વાલીઓએ શિક્ષણ મંત્રીને રજુઆત કરીને શાળાઓમાં સમય એક કલાક મોડો કરવાની માગ કરી હતી. સરકારે જે તે જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓને શ્થિતિ પ્રમાણે નિર્ણય લેવા જણાવ્યું છે. ત્યારે રાજકોટ શહેરની શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માફક જિલ્લા પંચાયતની હસ્તકની શાળાઓનો સમય પણ અડધો કલાક મોડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોલ્ડ વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરની શિક્ષણ સમિતિ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માફક જિલ્લા પંચાયતની હસ્તકની શાળાઓનો સમય પણ અડધો કલાક મોડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એક પાળીમાં ચાલતી શાળાનો સમય શનિવારે અડધો કલાક મોડો જ્યારે 2 પાળીમાં ચાલતી શાળાનો સમય સવારે અને બપોરે અડધો કલાક મોડો રહેશે. 28મી ફેબ્રુઆરી સુધી આ નિયમ લાગુ પડશે. રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં આવેલી 800થી વધુ શાળાઓને આ નિયમ લાગુ પડશે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) દીક્ષિત પટેલે જિલ્લાના 11 તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન કોલ્ડવેવની સંભાવના છે, જેને પગલે શિયાળાની સીઝનમાં કડકડતી ઠંડી પડવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં આવેલી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સવારની પાળીની શાળાઓનો સમય શનિવારે અડધો કલાકનો રાખવાનો રહેશે. જ્યારે સવાર અને બપોર એમ બે પાળીમાં ચાલતી શાળાઓનો સમય 28 ફેબ્રુઆરી સુધી અડધો કલાક મોડો રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારી કિરીટસિંહ પરમારે તાજેતરમાં જ એટલે કે બુધવારે શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓ તેમજ શહેર તેમજ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સવારની પાળીમાં ચાલતી શાળાઓનો સમય 7.10 ને બદલે 7.40નો કરવા આદેશ અપાયો હતો. જ્યારે હવે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને શાળાએ અડધો કલાક મોડું જવાનું રહેશે અને તેથી છૂટવાનો સમય પણ અડધો કલાક મોડો રહેશે.