અમદાવાદની શહેર જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરીનું વિભાજન કરવા શાળા સંચાલકોની માગ
- અમદાવાદના પશ્વિમ અને પૂર્વ એમ બે ડીઈઓની કચેરી હોવી જોઈએ,
- શહેરના બાપુનગર કે ખોખરામાં નવી ડીઈઓની કચેરી શરૂ કરવા માગ,
- ખાનગી સ્કૂલોમાં ત્રણ ગણો વધારો થતાં ડીઈઓ કચેરીમાં કામગીરીનું ભારણ વધ્યું છે,
અમદાવાદઃ શહેરમાં ખાનગી શાળાઓની સંખ્યામાં વધારો થતા શહેરની જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં કામનું ભારણ વધતું જાય છે. તેમજ પૂર્વ વિસ્તારની શાળાઓને વહિવટી કામગારી માટે શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આવવું પડે છે. તેથી શહેરની ડીઈઓ કચેરીનું વિભાજન કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં નવી ડીઈઓ કચેરી કાર્યરત કરવા પૂર્વ વિસ્તારના શાળા સંચાલકોમાં માગ ઊઠી છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગમાં અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. ઘણા જિલ્લાઓમાં ઈન્ચાર્જથી ડીઈઓ કચેરીનો વહિવટ ચાલી રહ્યો છે. ત્યારે નવી ભરતી ન થાય ત્યાં સુધી નવી કચેરીઓ શરૂ કરવાની શક્યતા ઓછી છે.
રાજ્યમાં નવા શિક્ષણ મંત્રી આવ્યા બાદ અમદાવાદ શહેર DEO કચેરીનું બે ભાગમાં વિભાજન કરવા માટે ફરી એક વખત સ્કૂલ સંચાલકો દ્વારા તીવ્ર માગ કરવામાં આવી છે. અમદાવાદ શહેર DEO કચેરીનું પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવે તેવી શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની ડીઈઓ કચેરી પર ભારણ વધુ હોવાથી વિભાજન કરવા માટે સ્કૂલ સંચાલકોએ નવા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને સૂચનો પણ મોકલી આપ્યા છે. જેમાં પૂર્વ વિસ્તાર માટે બાપુનગર કે ખોખરામાં જિલ્લા શિક્ષણાધિરી કચેરી શરૂ કરવા માટે માગ કરવામાં આવી છે. તેમજ તમામ કોર્પોરેશન વિસ્તારો માટે અલગ અલગ જિલ્લા શિક્ષણાધિકારી મૂકવા માટે પણ માગ કરવામાં આવી છે.
અમદાવાદ ડીઈઓ કચેરીને અત્યારે બે ભાગમાં વહેચવામાં આવી છે. અમદાવાદ શહેર DEO અને ગ્રામ્ય DEO એમ બે ભાગમાં કચેરીની કામગીરી ચાલી રહી છે. જેમાં શહેરી વિસ્તારની માધ્યમિક સ્કૂલો અમદાવાદ શહેર ડીઈઓ હસ્તક અને ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક સ્કૂલો અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ હસ્તક કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ મંડળના કર્યા ક્ષેત્રમાં દર વર્ષે આસપાસના ગામ ઉમેરાતા જાય છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અગાઉ જેટલી સ્કૂલો હતી તેમાં અત્યારના સમયમાં ત્રણ ગણો વધારો થતાં કચેરીમાં કામગીરીનું ભારણ પણ વધી ગયું છે. જેથી અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ભારણને લઈને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વિભાજન કરવા માટે સ્કૂલ સંચાલકોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે.
શહેરના પૂર્વ વિસ્તારના શાળા સંચાલકોએ શહેરના કોટ વિસ્તારની વટવા, મણીનગર, લાંભા, ઈસનપુર, વસ્ત્રાલ, શાહીબાગ, નિકોલ, નરોડા, સરદારનગર, CTM સહિતના વિસ્તારમાં આવેલી શાળાઓને અમદાવાદ પૂર્વ DEO કચેરીમાં લેવા માટેની માંગ કરાઈ છે. તેમજ સરખેજ, જુહાપુરા, પાલડી, વાડજ, રાણીપ, સાબરમતી, નારણપુરા, નવરંગપુરા, ઘાટલોડિયા, શીલજ, બોપલ, ઘુમા સહિત સાબરમતી નદીના પશ્ચિમ તરફની તમામ શાળાઓને અમદાવાદ પશ્ચિમ કચેરીમાં સમાવેશ કરવા માટે માંગ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય કલેક્ટર હેઠળ આવતા તાલુકાઓની તમામ શાળાઓ અમદાવાદ ગ્રામ્ય DEO હસ્તક રાખવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેમજ શાળા સંચાલકોને એક જ કચેરીમાં કામ માટે જવાનું થાય તેવો ઠરાવ કરવા માટે પણ સ્કૂલ સંચાલકોએ શિક્ષણ મંત્રીને ભલામણ કરી છે.