અમદાવાદથી બાઈક ચોરીને રાજસ્થાનમાં વેચવાનું કૌભાંડ, પોલીસે 31 બાઈક કબજે કર્યા
- સેટેલાઈટ, વસ્ત્રાપુર,અને બોડકદેવ વિસ્તારમાંથી 32 બાઈક-સ્કૂટની ચોરી કરી હતી,
- બાઈકચોર રાજસ્થાનમાં 10 હજારમાં બાઈક વેચી દેતો હતો
- પોલીસે સીસીટીવીમાં સર્ચ કરીને આરોપીને પકડી લીધો
અમદાવાદઃ શહેરમાં બાઈક અને સ્કૂટરની ચોરીના બનાવો વધતા જતા હતા. જેમાં ખાસ કરીને સેટેલાઈટસ વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવો વધતા પોલીસે રાજસ્થાની રીઢાચોરને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે 31 બાઈક કબજે કર્યા છે. આરોપી અમદાવાદથી બાઈક કે એક્ટિવાની ચોરી કરીને રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં 8થી 10 હજારમાં વેચી દેતો હતો.
શહેરના સેટેલાઈટ, વસ્ત્રાપુર સહિત પોશ વિસ્તારમાં બાઈક ચોરીના બનાવો વધી રહ્યા હતા, છેલ્લા 5 વર્ષમાં 32 બાઈક - એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોરને ઝોન - 7 એલસીબીની ટીમે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. 7 લાખની કિંમતના 31 બાઈક મળી આવ્યા હતા. આ ચોર શહેરના પોશ વિસ્તારોમાંથી ડુપ્લીકેટ ચાવીથી બાઈક - એકટીવાની ચોરી કરીને ચલાવીને રાજસ્થાન લઈ જતો હતો. અને ત્યાં રૂ.7 થી 10 હજારમાં વેચી દેતો હતો. શહેરમાંથી વાહન ચોરી કરીને રાજસ્થાન ભાગી જતા એક ચોર વિશે મળેલી માહિતીના આધારે ઝોન - 7 એલસીબી પીએસઆઈ વાય.પી.જાડેજા તેને પકડવા કામે લાગ્યા હતા. જેમાં થોડા દિવસ પહેલા પણ તે જ ચોર બોડકદેવમાંથી બાઈક ચોરી કરીને જતો સીસીટીવીમાં દેખાયો હતો. પોલીસની ટીમે તેના રૂટ પરના સીસીટીવીની તપાસ શરૂ કરી હતી.
પોલીસે 150 કરતાં પણ વધારે સીસીટીવી ફૂટેજ જોયા જેમાં તે ચોર રાજસ્થાન સુધી જતો દેખાયો હતો, જેના આધારે પોલીસની ટીમ રાજસ્થાન ડુંગરપુરના પાદેડી ગામમાં પહોંચી હતી અને પોપટકુમાર નિયાલચંદ લબાના(43) ને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા તેણે 5 વર્ષમાં બોડકદેવ, વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદનગર અને સોલા વિસ્તારમાંથી 32 બાઈક - એક્ટિવાની ચોરી કરી હતી. રાજસ્થાનમાં તે ટુ વ્હીલર રૂ.7 થી 10 હજારમાં વેચી દેતો હતો. પોપટકુમારે 5 વર્ષમાં ચોરી કરેલા 32 માંથી પોલીસે 31 વાહન કબજે કર્યા હતા, જેની કિંમત રૂ.7 લાખ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રાજસ્થાનથી આરોપી પોપટ 6 વર્ષ પહેલા રસોઈ કામ કરવા આવ્યો હતો અને અગાઉ 2 ગુનામાં પકડાયો હતો. પોપટકુમાર 6 વર્ષ પહેલા રસોઈ કામ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. જેના કારણે તે અમદાવાદથી સારી રીતે જાણકાર હતો. કોરોના વખતે તે ગામડે જતો રહ્યો હતો. ત્યારબાદ તે અમદાવાદ આવ્યો હતો અને વાહન ચોરીને રાજસ્થાનમાં વેચી દીધું હતું. ત્યારથી વાહન ચોરવાનું શરૂ કર્યું હતું.