સુરતમાં નકલી દસ્તાવેજો બનાવીને સરકારી જમીન કરોડોમાં વેચવાનું કૌભાંડ, 3ની ધરપકડ
- 100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં વેચવાનો પ્લાન ઘડ્યો હતો,
- મહેસુલ વિભાગના ખોટા સહી-સિક્કા સાથે ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા હતા,
- એક વેપારી પાસેથી જમીન વેચવાનું કહી 12 કરોડ ખંખેરી લીધા હતા
સુરતઃ ઔદ્યોગિક નગરી ગણાતા સુરત શહેર અને આજૂબાજુના વિસ્તારામાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે. ત્યારે જમીન વેચાણોમાં કૌભાંડો પણ થઈ રહ્યા છે. શહેરની ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે સરકારી જમીનના ફેક દસ્તાવેજો બનાવીને જમીન વેચવાના રેકેટનો પડદાફાશ કર્યો છે. એક ટોળકીએ સરકારની માલિકીની અંદાજીત 100 કરોડ રૂપિયાની જમીન માત્ર 15 કરોડમાં વેચવાની લાલચ આપી સરકારના અલગ-અલગ વિભાગોના ખોટા અને બનાવટી સરકારી પત્રો બનાવીને એક વેપારી પાસેથી તબક્કાવાર 12 કરોડ ખંખેરી લીધા હતાં.ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલે છમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
આ કેસની વિગત એવી છે કે, સુરતમાં રહેતા કરમશીભાઈ અવારનવાર ગાંધીનગર જતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વચ્ચે તેમનો પરિચય લક્ષ્મણ ગાયડનાથ યોગી સાથે થયો હતો. તે પણ જમીન દલાલીનું કામ કરે છે. ત્યારબાદ એક પછી એક કરીને તમામ છ આરોપીઓ કરમશીભાઈના સંપર્કમાં આવ્યા હતા અને છ આરોપીઓએ મળીને કરમશીભાઈને સરકારી જમીન સસ્તામાં અપાવવાની લાલચ આપી હતી. દરમિયાન 6 શખસોએ પ્રથમ સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામમાં આવેલી બે મોટા સરકારી પ્લોટની વિગતો મેળવી. બ્લોક નંબર: 3128 (સર્વે નંબર: 417/અ), ક્ષેત્રફળ: 50,600 ચો.મી. બ્લોક નંબર: 3129 (સર્વે નંબર: 417/બ), ક્ષેત્રફળ: 50,600 ચો.મી. આ બંને જમીનો સરકાર હસ્તક હતી, જેની બજાર કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા થવા જતી હતી. આરોપીઓએ કરમશીભાઈનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમની ગાંધીનગર સચિવાલય અને મહેસૂલ વિભાગમાં ઉપર સુધી પહોંચ છે. તેઓએ આ 100 કરોડની સરકારી જમીન, તમામ કાયદાકીય પ્રક્રિયાઓ બાયપાસ કરીને માત્ર રૂ. 15 કરોડના ખર્ચામાં કાયદેસર કરાવી આપવાની લાલચ આપી હતી.
ફરીયાદીને વિશ્વાસમાં લેવા માટે, આ ટોળકીએ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, સુરત જિલ્લા કલેકટર કચેરી અને અન્ય સંબંધિત સરકારી વિભાગોના નામના બનાવટી લેટરહેડ, ખોટા સિક્કા અને અધિકારીઓની બોગસ સહીઓ વાળા પત્રો તૈયાર કર્યા.આ પત્રો એવા આબેહૂબ બનાવવામાં આવ્યા હતા કે પ્રથમ નજરે તે અસલી સરકારી દસ્તાવેજ જ લાગે. આ પત્રોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, "સદરહુ જમીન ફરીયાદીના નામે તબદીલ કરવાની પ્રક્રિયા ચાલુ છે" અથવા "આ જમીનનો કબજો સોંપવા બાબત" જેવા ભ્રામક સરકારી લખાણો હતા.
આ સરકારી કાગળો જોઈને ફરીયાદી કરમશીભાઈ સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયા કે આ ટોળકી ખરેખર સરકારમાં સેટિંગ ધરાવે છે અને તેમનું કામ થઈ જશે. આ વિશ્વાસના આધારે, તેઓએ ટોળકીને અલગ-અલગ સમયે કુલ રૂ. 12 કરોડની માતબર રકમ ચૂકવી દીધી. રૂપિયા આપ્યા પછી પણ, જ્યારે જમીનનો કબજો ન મળ્યો અને સરકારી પ્રક્રિયા આગળ ન વધી, ત્યારે કરમશીભાઈને શંકા ગઈ. તેઓએ પોતાની રીતે તપાસ કરાવતા માલૂમ પડ્યું કે જે સરકારી પત્રો તેમને બતાવવામાં આવ્યા હતા તે તદ્દન ખોટા અને બનાવટી હતા અને જમીન હજુ પણ સરકારના નામે જ બોલે છે. આ ગુનાના સંબંધમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રતનસિંહ લાલસિંહ ઠાકોર, સંગ્રામસિંહ બાદરસિંહ ઠાકોર, અને સંજયસિંહ બાદરસિંહ ઠાકોરનો સમાવેશ થાય છે.