સુરતના પાંડેસરામાં નકલી નોટ્સ બનાવવાનું કૌભાડ પકડાયુ, ત્રણની ધરપકડ
- ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદદામાલ કબ્જે કરાયા,
- આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી નકલી નોટો છાપતા હતા,
- પાંડેસરા પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં ચાર રસ્તા પાસે હરિઓમ નગરમાં એક મકાનમાં નકલી નોટો છાપવાનું રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડીને નકલી ચલણી નોટો તેમજ પ્રિન્ટર, કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નકલી નોટો છાપીને બજારમાં ફરતી મુકતા હતા. પોલીસે ત્રણેય આરોપીની વધુ પૂછતાછ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ સૂત્રોના કહેવા મુજબ પોલીસે મળેલી બાતમીને આધારે પાંડેસરા ગુ.હા.બોર્ડ જવેલરી બજાર ચાર રસ્તા પાસે આવેલા હરીઓમનગર સોસાયટીના પ્લોટ નંબર 17 અને 18ના બીજા માળે આવેલા મકાનમાં રેડ કરી હતી અને ચલણી નોટો બનાવવાનો રેકેટનો પર્દાફાશ કરી સ્થળ પરથી ત્રણ આરોપીઓ મુળારામ મોતીરામ ચેરામારામ પ્રજાપતિ, દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ ( ત્રણે રહે હરીઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનીટી હોલ, ગુ.હા.બોર્ડ, પાંડેસરા )ની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 500ના દરની 3 નોટો, રૂપિયા 200નાં દરની 3 નોટો અને રૂ. 100નાં દરની 6 બનાવટી ચલણી નોટો તથા પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામલાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ પોતે આર્થિક લાભ મેળવવા તેમજ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઇરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબ્જામાં રાખી હતી.
પાંડેસરા પોલીસ મથકના પીઆઇ જે.સી.જાદવએ જણાવ્યું હતું કે, આરોપીઓ મકાની અંદર આ ચલણી નોટો બનાવતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આ કૃત્ય કેટલા સમયથી કરી રહ્યા હતા, વગેરે માહિતી એકત્રિત કરવા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.