સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે ગુરૂવારથી શરૂ થશે, ત્રિ દિવસીય ખેલકૂદ મહોત્સવ,
- ખેલકૂદ મહોત્સવમાં 70 કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે,
- સ્પોર્ટ્સ મહોત્સવમાં 3 નવી ઈવેન્ટ ઉમેરાઈ,
- શારિરીક શિક્ષણના નિવૃત અધ્યાપકોનું સન્માન કરાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતી કાલે તા. 5થી 7 ડિસેમ્બર દરમિયાન 53મો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ યોજાશે. આ ખેલકૂદ મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 70 કૉલેજોના 1800થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. દોડ, કૂદ અને ફેંકની અલગ-અલગ ઇવેન્ટ ભાઈઓ અને બહેનો માટે યોજવામાં આવશે. નેશનલ કક્ષાએ યોજાતી ટુર્નામેન્ટની માફક જ આ એથ્લેટિક્સ ઇવેન્ટ પણ યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનથી લઈને ઇવેન્ટ પૂર્ણ થયા બાદ તેજ સ્થળે મેડલ સેરેમની થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 5મી ડિસેમ્બરથી ખેલ-કૂદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રિ દિવસીય આ મહોત્સવમાં યુનિ સંલગ્ન 70 જેટલી કોલેજોના 1800 ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે પ્રથમ વખત સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી સ્પર્ધકોના પર્ફોમન્સને કોઈ અસર ન થાય. આવતી કાલે ગુરૂવારે સવારે 7 વાગ્યાથી ઇવેન્ટ શરૂ થઈ જશે, જ્યારે ઓપનિંગ સેરેમની સવારે 10 વાગ્યે થશે. જેમાં કાયૅકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયા સહિતનાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે નિવૃત્ત શારીરિક શિક્ષણ અધ્યાપકોનુ સન્માન પણ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેદાનમાં 5થી 7 ડિસેમ્બર દરમિયાન ખેલકૂદ રમતોત્સવ યોજાશે. ભાઈઓ અને બહેનોની 19 ઇવેન્ટ યોજવામાં આવી છે, જેમાં દોડ, કૂદ અને ફેંકની ઇવેન્ટ યોજાશે. આ વર્ષે પ્રથમ વખત ત્રણ નવી ઇવેન્ટ ઉમેરવામાં આવે છે. આ વખતે એમ.પીએડ. ભવન અને શારીરિક શિક્ષણના અધ્યાપકોને સાથે રાખી નેશનલમાં જે રીતે ટુર્નામેન્ટ થાય તે જ રીતે અહીં પણ એથલેટિક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય અને સાથે જ ખેલાડીઓની ઇવેન્ટ વાઇઝ વહેંચણી કરવામાં આવે. જે પછી પૂર્ણ થયા બાદ તુરંત તેની મેડલ સરેમની યોજવામાં આવશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થતા ખેલાડીઓને તે જ સ્થળે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવશે. નેશનલ કક્ષાની સ્પર્ધામાં જે પ્રકારનું માહોલ હોય તે પ્રકારના માહોલમાં જ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજવામાં આવશે, જેથી આ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓ અને બાદમાં ખેલો ઇન્ડિયા ઉપરાંત આ વખતે વર્લ્ડ યુનિવર્સિટી ટુર્નામેન્ટ સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે.