સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 7મી ઓક્ટોબરથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોફરન્સ યોજાશે
- ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ 2025નુ આયોજન,
- જર્મની, સ્પેન, જાપાન, ઇઝરાયેલ તેમજ ભારતની 16 સંસ્થાના નિષ્ણાતો ભાગ લેશે,
- અદ્યતન ઉપકરણો બનાવવા આયન બીમ ટેકનોલોજીના ઉપયોગ વિશે ચર્ચા થશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આગામી તા.7થી 9 ઓક્ટોબર દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ ICNIB -2025 યોજાશે. જેમાં ઉભરતી સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં નવા સંશોધનો થઈ શકે તે માટે મટિરિયલ સાયન્સમાં આયન બીમનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે વિજ્ઞાન વિષયના Ph.D.ના 185થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં જર્મની, સ્પેન, જાપાન, ઇઝરાયેલ અને કોરિયા તેમજ ભારતની 16 સંસ્થા જેવી કે, IIT, DRDO સહિતના એક્સપર્ટ ઉપસ્થિત રહીને લેકચર આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા આંતર યુનિવર્સિટી ત્વરક કેન્દ્ર (IUAC) ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આગામી તા.7થી 9 ઓક્ટોબર દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બિમ્સ ICNIB -2025 યોજાશે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ આયન-સોલિડ ઇન્ટરેકશન અને એડવાન્સ મટિરિયલ્સનાં ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકો, તજજ્ઞો તથા યુવા સંશોધકોને મંચ પૂરું પાડવાનો છે. વર્ષ 2011માં અલ્હાબાદ યુનિવર્સિટી, પ્રયાગરાજથી શરૂ થયેલી આ કોન્ફરન્સ શ્રેણી આયન બીમ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અને સંશોધનના પ્રસાર માટે એક આકર્ષક પ્લેટફોર્મ સિદ્ધ થઇ છે. ત્યારબાદ વર્ષ 2013માં રાજસ્થાન યુનિવર્સિટી/ MNIT જયપુર, વર્ષ 2017માં દેવી અહલ્યાબાઈ યુનિવર્સિટી ઇન્દોર, 2019માં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (I9GCAR) કલપક્કમ, 2021માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ ભુવનેશ્વર અને વર્ષ 2021માં યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એનર્જી સ્ટડીઝ (UPES ) દેહરાદુન ખાતે આ કોન્ફરન્સનું આયોજન થયુ હતુ. આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ પ્રતિષ્ઠિત પરિસંવાદની મેજબાની કરી રહી છે, જે યુનિવર્સિટી માટે ખુબ ગૌરવપ્રદ બાબત છે.
તેમણે કહ્યુ હતું કે, આયન બીમ સંશોધનમાં મુખ્યત્વે વિદ્યુતભારિત (ચાર્જડ) કણોના પ્રવાહ દ્વારા પદાર્થના ગુણધર્મોમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો એનર્જેટિક આયન બિમ્સને ધાતુઓ, અધાતુઓ, અર્ધધાતુઓ, મિશ્રધાતુઓ, પોલીમર્સ તથા અન્ય પદાર્થો પર કેન્દ્રિત કરી આ પદાર્થોને યોગ્ય ફેરફારો દ્વારા વધુ ઉપયોગી બનાવવા પ્રયાસ કરે છે. ઇલેક્ટ્રોનિક્સ, તબીબી અને અવકાશ સંશોધન ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા અદ્યતન ઉપકરણો બનાવવા આયન બીમ ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે.