ગાંધીનગરમાં કાલે 15મી સપ્ટેમ્બરે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરાશે
- ગાંધીનગરમાં ઉમિયા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે,
- સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 100 જેટલી ગાડીઓ જોડાશે,
- મહારાજા કૃષ્ણસિંહજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે,
ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની 'સરદાર સન્માન યાત્રા' આવતી કાલે તા. 15 સપ્ટેમ્બરને સોમવારના રોજ ગાંધીનગર પહોંચશે. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીનગર સરદાર સન્માન યાત્રા કમિટી અને વિવિધ સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 100 જેટલી ગાડીઓ જોડાશે.
યાત્રાના આયોજકોના કહેવા મુજબ સરદાર સન્માન યાત્રા ગાંધીનગરમાં કાલે 15મીને સોમવારે સવારે 8.30 કલાકે ઇન્દિરા બ્રિજથી ભાટ ખાતે પ્રવેશ કરશે. યાત્રા ભાટ, કોબા સર્કલ, પીડીપીયુ રોડ થઈને રાંદેસણ ખાતે પહોંચશે, જ્યાં મહારાજા કૃષ્ણસિંહજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. અહીં ભાટ અને કોટેશ્વરના લોકો મોટી સંખ્યામાં સ્વાગત કરશે. તથા રાજપૂત સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ યાત્રા કુડાસણ પહોંચશે જ્યાં સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવવામાં આવશે. અહીં કૂડાસણ અને સરગાસણ વિસ્તારના લોકો દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવશે.
યાત્રાનો મુખ્ય સ્વાગત કાર્યક્રમ સવારે 9.30 વાગ્યે સેક્ટર-12 સ્થિત ઉમિયા માતાના મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં દેશી ઢોલના તાલે અને માથે કળશ સાથે વિશાળ સંખ્યામાં બહેનો યાત્રાનું સ્વાગત કરશે. આ સભામાં ગાંધીનગરમાં વસવાટ કરતી તમામ જ્ઞાતિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ ઉપરાંત યાત્રાના આયોજકો દ્વારા ગાંધીનગર અને જિલ્લાના રાજવી પરિવારો સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો અને શહીદ સૈનિકોના પરિવારોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આશરે 30 મિનિટનો રહેશે.
આ યાત્રામાં યુવાનોનો સહયોગ સુનિશ્ચિત કરવા માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ પણ તૈયારીઓ કરી છે. ચૌધરી વિદ્યાસંકુલ અને સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ માનવ સાંકળ બનાવીને યાત્રાનું સ્વાગત કરશે. કડી કેમ્પસના વિદ્યાર્થીઓ 500 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રાનું ભવ્ય સ્વાગત કરશે. યાત્રાના આયોજકો દ્વારા તમામ સમાજો, સંસ્થાઓ અને સોસાયટીના પ્રમુખોની બેઠકો યોજીને વધુમાં વધુ લોકો જોડાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યાત્રાના રૂટ પર ટ્રાફિકની યોગ્ય વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અધિક્ષકને પણ જાણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર, મનપા કમિશનર, તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.