સરદાર પટેલ માત્ર નેતા નહોતા, પરંતુ એક વિચારધારા હતાઃ અમિત શાહ
પટનાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને સભાઓ ગજવવામાં આવી રહી છે. દરમિયાન કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ હાલમાં પટણામાં છે, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સ મુખ્યત્વે 31 ઑક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ)ને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી. અમિત શાહે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે એકતા નગર (કેવડિયા) ખાતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
ગૃહપ્રધાને જણાવ્યું કે, “આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે 31 ઑક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ યોજવામાં આવશે. આ કાર્યક્રમ ભારતના સશસ્ત્ર દળો અને પોલીસ બળના સન્માન માટે સમર્પિત છે.” તેમણે જણાવ્યું કે આ સાથે ‘રન ફૉર યુનિટી’ કાર્યક્રમનું પણ સમગ્ર દેશમાં વિશાળ સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશના તમામ રાજ્યો ભાગ લેશે.
અમિત શાહે જણાવ્યું કે દેશના તમામ નાગરિકો એકતા અને અખંડતાની શપથ લેશે. આ ઉપરાંત ‘એક ભારત પર્વ’નું આયોજન પણ એકતા નગરમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આ અવસરે બિરસા મુંડાની આદિવાસી પરંપરાને સમર્પિત એક અનોખું સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. અમિત શાહે જણાવ્યું કે “સરદાર પટેલ માત્ર નેતા નહોતા, પરંતુ એક વિચારધારા હતા.”
તેમણે કહ્યું, “મહાત્મા ગાંધીજીએ જ તેમને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી. જ્યારે ભારતને અંગ્રેજોએ 562 રિયાસતોમાં વહેંચી નાખ્યું હતું, ત્યારે સરદાર પટેલે અદ્ભુત દૃઢતા સાથે તેમને એકતામાં બાંધીને અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આજે ભારતનો નકશો સરદાર પટેલની જ દેન છે.” શાહે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાન કોરિડોર બનાવવા માટેના પ્રયાસોને પણ સરદાર પટેલે અટકાવ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યની વાત છે કે સ્વતંત્રતા પછી કોંગ્રેસે સરદાર પટેલને ભૂલાવવામાં કોઈ કસર છોડેલી નથી. તેમને ભારત રત્ન આપવામાં વિલંબ થયો, ન તો યોગ્ય સ્મારક બન્યું, ન તો સ્મૃતિસ્થળ.” શાહે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ બનાવવાનો સંકલ્પ લીધો. દેશભરના ખેડૂતો પાસેથી લોખંડ એકત્રિત કરી આ સ્મારક બાંધવામાં આવ્યું, જે સરદાર પટેલને સમર્પિત શ્રદ્ધાંજલિ છે.