અમદાવાદ મ્યુનિના હેરિટેજ બિલ્ડિંગમાં 10 કરોડના ખર્ચે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવાશે
- હેરિટેજ બિલ્ડીંગને રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરી મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે,
- મેયરની ચેર પર સરદાર પટેલ બેઠા હોય એવી હોલોગ્રાફિક ઈમેજ દર્શાવાશે,
- નગર શ્રેષ્ઠીઓનાં ફોટા અને વિગતો સાથેનું મ્યુઝિયમ નિર્માણ કરાશે
અમદાવાદઃ શહેરમાં 1920 ના વર્ષમાં એટલે કે વર્ષો પહેલા મ્યુનિસિપલ કચેરી હતી તે બિલ્ડિંગને હેરિટેજ બિલ્ડિંગ જાહેર કરાયું છે. આ ઐતિહાસિક ઈમારતને એએમસી દ્વારા રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન અને રિટ્રોફિટીંગ કરી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે બનનારા નવા મ્યુઝીયમમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યાં સામાન્ય સભા મળતી હતી એવા હોલમાં મેયરની ખુરશીમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હોય એવી હોલોગ્રાફિક ઈમેજથી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવશે.
અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવે છે. વર્ષ 1920થી 1930ના સમયગાળા દરમિયાન દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. બિલ્ડીંગને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવી છે. 90 વર્ષથી વધુ જૂની આ હેરિટેજ બિલ્ડીંગ હવે જર્જરિત થઈ ગઈ હોવાથી અને એક હેરિટેજ વારસાની ઓળખ ધરાવતી હોવાના પગલે તેને રિસ્ટોરેશન અને રિટ્રોફિટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હેરિટેજ બિલ્ડીંગને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઇન્ટરપ્રિટેશન સેન્ટર એટલે કે માહિતી કેન્દ્ર બનાવાશે અને મુલાકાતીઓને પ્રેઝન્ટેશન વગેરે દર્શાવાશે. પ્રથમ માળે ઉપર અમદાવાદ શહેરની સ્થાપના થઇ ત્યારથી મહાનગરનાં વિકાસની સફરની વિવિધ પ્રકારની વિગતો-ફોટા સહિત ચીજવસ્તુઓ અને શહેરનાં વિકાસમાં મહત્વનો ફાળો આપનારા તેમજ નગરશ્રેષ્ઠીઓનાં ફોટા અને વિગતો સાથેનું મ્યુઝિયમ નિર્માણ કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 1920થી 1930ના સમયગાળા દરમિયાન દાણાપીઠ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. બિલ્ડીંગને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવી છે. 90 વર્ષથી વધુ જૂની આ હેરિટેજ બિલ્ડીંગ હવે જર્જરિત થઈ ગઈ હોવાથી અને એક હેરિટેજ વારસાની ઓળખ ધરાવતી હોવાના પગલે તેને રિસ્ટોરેશન અને રિટ્રોફિટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં માત્ર લાકડું, ઈંટ અને ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેમાં કોઈ બદલાવ કરવામાં આવશે નહીં માત્ર તેને મજબૂત કરવાની કામગીરી કરવામાં આવશે.