સંસ્કૃત ભારતી-ગુર્જર પ્રાંત દ્વારા આયોજિત સંસ્કૃત પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, કાયાવરોહણમાં સંપન્ન
અમદાવાદઃ સંસ્કૃત ભારતી-ગુર્જર પ્રાંત દ્વારા તા. ૨૬-૧૦-૨૫ થી ૨-૧૧-૨૫ દરમિયાન સાત દિવસનો પ્રબોધન વર્ગ હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ, કાયાવરોહણ ખાતે યોજાઈ ગયો. સાત દિવસના આ નિવાસી વર્ગના સમાપન કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી પધારેલા શિબિરાર્થીઓ દ્વારા સંસ્કૃતભાષામાં સંવાદ, ગીત, વાર્તાલાપ, અભિનય ગીત, અને સંસ્કૃત સંભાષણનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રબોધનવર્ગના વૃત્ત નિવેદનમાં વર્ગાધિકારી ડો. દિલીપસિંહ ચૌહાણે આ વર્ગની વિશેષતા વિશે જણાવતા કહ્યું હતું કે ૦૭ વર્ષના બાળકથી લઈ ૭૦ વર્ષના વૃદ્ધ સુધીના શિબિરાર્થીઓએ આ વર્ગમાં ભાગ લીધો છે જેમાં સમાજના વિવિધ વર્ગના લોકો જેમ કે શિક્ષક, અધ્યાપક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શાળા અને કોલેજના વિદ્યાર્થી, યુનિવર્સિટીના શોધછાત્ર, ગૃહિણી અને નિવૃત્ત સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં અતિથિઓને આવકારતા સ્વાગત વકતવ્ય પ્રાંત ઉપાધ્યક્ષ પ્રો. જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે કર્યું હતું.
સમારોપ કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલિવાલે સંસ્કૃતની મહત્તા જણાવતાં કહ્યું હતું કે સંસ્કૃત ભાષામાં વિશ્વ કલ્યાણ ની ભાવના "सर्वे भवन्तु सुखिनः..." નિહિત છે. માટે જ સંસ્કૃત ભારતીના સમર્પિત કાર્યકર્તાઓ સંસ્કૃત દ્વારા "વિશ્વ કલ્યાણ" નું ધ્યેય લઈને સમાજ કાર્ય કરી રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વડોદરા વિભાગના બૌદ્ધિક પ્રમુખ શ્રી ગોપાલભાઈ રૂડકરે શિબિરાર્થીઓને સંસ્કૃતમાં બોલતા જોઈને પોતાના પ્રતિભાવમાં સંસ્કૃત ભાષાની મધુરતા અને સરલતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીય સંસ્કૃતિના રક્ષણ કાજે પ્રત્યેક ભારતવાસીએ આ ભાષા અવશ્ય શીખવી જોઈએ. સંઘ શતાબ્દિ વર્ષ નિમિત્તે વર્ષભર આયોજીત વિવિધ કાર્યક્રમોની પણ તેઓએ જાણકારી આપી હતી.
શિબિરાર્થીઓને આશીર્વાદ આપતા હિન્દુ ગુરુકુળ, લકુલીશ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠના સંસ્થાપક પ્રીતમ મુનિજીએ પોતાના ઓજસ્વી વક્તવ્યમાં જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા સનાતન સંસ્કૃતિ અને પ્રાચિન ભારતની જ્ઞાન પરંપરાની વાહક છે. વિશ્વની પુરાતન ભાષા સંસ્કૃતના જતન માટે પ્રત્યેક સનાતનીના ઘરે ષડ્દર્શન, ભગવત ગીતા અને ઉપનિષદો જેવા શાસ્ત્રોનું અધ્યયન થવું જરૂરી છે. શાસ્ત્ર જ્ઞાન માટે સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ માટે શસ્ત્ર જ્ઞાન વર્તમાન સમયમાં અત્યંત આવશ્યક છે.