For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે: રાજ્યપાલ

06:07 PM Aug 12, 2025 IST | Vinayak Barot
સંસ્કૃત એ માત્ર ભાષા નહીં  પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે  રાજ્યપાલ
Advertisement
  • ગાંધીનગરમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો,
  • સંસ્કૃત ભાષાનું મહત્વ વધે તે માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજાયો: શિક્ષણ મંત્રી ડીંડોર,
  • મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા છે: શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરિયા

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સંસ્કૃત એ માત્ર ભાષા નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રાણતત્વ છે. વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, મહાકાવ્યો તથા વૈદિક વિજ્ઞાન બધું જ સંસ્કૃતમાં લખાયેલું છે.

Advertisement

રાજ્યપાલએ પ્રાચીન ગુરુકુલ પરંપરાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થા એટલી મજબૂત હતી કે, દેશમાં શિક્ષણ વિનાના લોકો શોધવા મુશ્કેલ હતા. છ વર્ષની ઉંમરે બાળકોને શિક્ષણ માટે ગુરુકુળ મોકલવાની પ્રથા, વૈદિક સંસ્કાર પદ્ધતિ અને દરેક નાગરિકને શિક્ષિત બનાવવાનો પ્રણાલીસભર પ્રયાસ પ્રાચીન સમયના ભારતનું લક્ષણ હતું. રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારતીય સમાજની શિક્ષણની વ્યાપકતા પર પ્રકાશ પાડ્યો.

રાજ્યપાલએ કહ્યું કે, ગુલામીના સમયગાળા દરમિયાન ભારતીય જ્ઞાન પરંપરાને સુનિયોજિત રીતે નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગુરુકુળ પદ્ધતિને ખતમ કરી અને પશ્ચિમી શિક્ષણપદ્ધતિ લાદવામાં આવી હતી. જેના કારણે ભારતની વૈદિક અને સંસ્કૃત આધારિત જ્ઞાનવ્યવસ્થા પાછળ ધકેલાઈ ગઈ હતી.

Advertisement

રાજ્યપાલએ જણાવ્યું કે, ગણિતમાં દશાંશ પદ્ધતિ, શૂન્યનો સિદ્ધાંત, ખગોળશાસ્ત્રમાં ગ્રહણના સચોટ સમયની ગણતરી, ભૂગોળમાં પૃથ્વી ગોળ હોવાની વાત - આ બધું જ ભારતીય ઋષિઓનું યોગદાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યારે યુરોપમાં વૈજ્ઞાનિકોને સત્ય બોલવા બદલ સજા થતી હતી, ત્યારે ભારતમાં વૈદિક વિજ્ઞાન ઉચ્ચત્તમ સ્તરે વિકસેલું હતું.

ભારદ્વાજ ઋષિ દ્વારા વિમાનશાસ્ત્ર ગ્રંથનું સર્જન, પુષ્પક વિમાનના વર્ણનો અને વૈવિધ્યસભર ઇંધણ પદ્ધતિઓનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ દર્શાવ્યું કે, પ્રાચીન ભારત ટેકનોલોજીના ક્ષેત્રે પણ અગ્રેસર હતું.

રાજ્યપાલએ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસ્કૃત ભાષાને આપવામાં આવી રહેલા પ્રોત્સાહનની પ્રશંસા કરી હતી. સંસ્કૃતને શાળાઓમાં ફરજીયાત વિષય તરીકે સામેલ કરવો, સંસ્કૃત સપ્તાહ જેવા કાર્યક્રમોનું આયોજન અને ગુલામીની માનસિકતા દૂર કરવાનું પ્રધાનમંત્રીનું રાષ્ટ્રને આહ્વાન એ નવા ભારતની રચનામાં મહત્વપૂર્ણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આપણી વિરાસત, ઋષિઓની જ્ઞાન પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો સાથે વિકાસની ગતિ પણ જાળવી રાખવી જોઈએ. દેશને ફરી વિશ્વગુરુ બનાવવાના માર્ગ પર આપણે આગળ વધવું જ પડશે તેમ રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ તકે શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃત ભાષા સરળ અને સરસ છે. સંસ્કૃત સાહિત્યના માધ્યમથી જ્ઞાન- વિજ્ઞાન અને રાષ્ટ્રને મજબૂત બનાવે છે. ગુજરાતમાં વર્ષ- 2020 પછી પ્રથમ વખત ‘સંસ્કૃત સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ સંસ્કૃત ભાષાના સર્વાંગી વિકાસ માટે, સંસ્કૃતના સંવર્ધનથી સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનું કામ કરી રહ્યું છે.

શિક્ષણ રાજ્યમંત્રી  પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, સંસ્કૃત દેવ વાણી છે. સંસ્કૃત રાષ્ટ્રનો આત્મા છે. સંસ્કૃત બોલવાથી શરીરના હોર્મોન્સ બેલેન્સ થાય છે. મનને આંનદ આપે તે ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા વધુને વધુ નાગરિકો સુધી પહોચાડવા બદલ મંત્રીએ ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement