વિજાપુરના સંઘપુર ગામે સાબરમતી નદીમાં રેતીચોરી પકડાઈ, 19 ડમ્પર અને 3 હીટાચી જપ્ત
- ખનીજ વિભાગે પોલીસની મદદ લઈને દરોડા પાડ્યા,
- રેતીચોરી કેસમાં 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો,
- તંત્રની કડકાઈથી ખનીજચોરોમાં ફફડાટ
ગાંધીનગરઃ રાજ્યમાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. જેમાં નદીઓમાંથી રેતીની ચોરીના બનાવો વધતા જાય છે. રેતીની ચોરી અટકાવવા જિલ્લા કલેકટરે ખનીજ વિભાગને કડક નિર્દેશ આપતા વિજાપુર તાલુકાના સંઘપુર ગામે સાબરમતી નદીના પટમાં ગાંધીનગર ફલાઇંગ સ્કવોડ અને અમદાવાદ સહિતની ટીમોએ પોલીસ સાથે રેડ કરી બિન્દાસ્ત રેતીની ચોરી કરી રહેલા 19 ડમ્પરો અને 3 હિટાચી મશીનો સહિત રૂ.3.50 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
સાબરમતી નદીના પટમાં કોઈપણ જાતની લીઝ કે બ્લોક વિના છેલ્લા ઘણા સમયથી રેતી ચોરી કરાતી હોવાની માહિતીને પગલે ગાંધીનગર ફ્લાઈગ સ્કવોડ અને અમદાવાદની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે રાખી દરોડા પાડતા રેતી માફિયાઓમાં દોડધામ મચી ગઇ હતી. ગાંધીનગરની ટીમે નદીના પટમાં રેતી ઉલેચીને ડમ્પરમાં ભરી રહેલા 3 હિટાચી મશીન અને ગેરકાયદે રેતી ભરવા આવેલા અને લઈ જઈ રહેલા 19 ડમ્પરો તેમજ પાણીમાં રેતી ચોરી માટે મૂકવામાં આવેલી નાવડી સહિત અંદાજે રૂ.3.50 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરેલા ડમ્પરો ધનપુરા ખાતેના સ્ટોકયાર્ડમાં અને 3 હીટાચી મશીન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
ગાંધીનગરની ટીમે રેતી માફિયાઓ દ્વારા કરાયેલા ખોદકામની માપણીની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે માપણી બાદ વાહન માલિકો સહિતની સામે દંડનીય કાર્યવાહી કરાશે. પ્રાથમિક અનુમાન મુજબ રેતી માફિયાઓ કરોડોની રેતી ચોરી કરી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સંઘપુર ગામે થતી રેતી ચોરીને અટકાવવા માટે ગાંધીનગરથી ખાસ કિસ્સામાં ભાણપુર ગામે ચેકપોસ્ટ મૂકવામાં આવી છે. પરંતુ, મહેસાણા ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા અત્યાર સુધી એક પણ દિવસ આ ચેકપોસ્ટ નહીં ખોલાઇ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે.