ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારીમાં 6 કરોડથી વધુના વિકાસ કામોને મંજુરી
- ગત કારોબારીની બેઠકમાં સભ્યોએ તલાટીની બદલી માગ સાથે વોકઆઉટ કર્યો હતો,
- તત્કાલિન સમયે બેઠક મોકુફ રાખવામાં આવી હતી,
- આ વખતે મોવડી મંડળની સુચનાથી સભ્યો શાંત રહ્યા
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં 6 કોરડથી વધુ વિકાસના કામોને મંજુરી આપવામાં આવી હતી. અગાઉ તા. 29 મી નવેમ્બરે મળેલી કારોબારી સમિતિની બેઠકમાં તલાટીની બદલીની માંગણીના મુદ્દે કારોબારી સભ્યોએ વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખુદ શાસક પક્ષના સભ્યોએ હોબાળો કર્યાની ઘટનાની મોવડી મંડળે પણ ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ શુક્રવારે ફરીવાર મળેલી કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં છ કરોડથી વધુના વિકાસમાં કામોને બહાલી આપી દેવાઈ છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વિકાસના કામોને મંજુરી આપવા માટે ગત મહિને મળેલી શાશક પક્ષની કારોબારી સમિતિની બેઠકમાં સભ્યોએ તડાફડી બોલાવી હતી. તલાટીઓની બદલીની માંગણીને લઇને સભ્યોએ વિરોધ પ્રદર્શન કરી સભામાંથી વોકઆઉટ કર્યો હતો. જેનાં કારણે સભા મુલત્વી રહેતા વિકાસના કામોની ચર્ચા અને નિર્ણયો પર બ્રેક વાગી ગઈ હતી. એક તરફ ગ્રામ પંચાયતો અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ શાસકપક્ષના સભ્યો દ્વારા જનતાને ઉપયોગી એવા રસ્તા, પાણી, ગટર સહિતના વિકાસ કામોની ચિંતા કરવાનું બાજુ પર મુકી દેવામાં આવતા સંગઠન તેમજ મોવડી મંડળે પણ ગંભીર નોંધ લીધી હતી. અને સભ્યોને લેશન આપી સભામાં શાંતિ જાળવવા કહી દેવામાં આવ્યું હતું. જેનાં પગલે શુક્રવારે મળેલી સભામાં એજન્ડા મુજબના છ કરોડથી વધુના વિકાસના કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જો કે સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને એવી રજુઆત કરી હતી કે, તલાટીની બદલીઓ ના કરી શકો તો કઈ નહીં પરંતુ તલાટીઓને હાજર રહેતા કરો. ગ્રામજનોને ધક્કા ખાવા ન પડે તેવા પગલાં લેવા જોઈએ. એટલું જ નહીં સભ્યોએ જિલ્લા વિકાસ અધિકારીને પણ સવાલ કર્યો હતો કે અનિયમિત તલાટીઓ સામે પગલાં લેવા માંગો છો કે નહીં. સાથેસાથે જિલ્લા પંચાયતના દરેક કર્મચારીઓને નિયમિત આવતા થાય અને કામો અટકાવે નહીં તે માટે પગલાં લેવા જરૂરી છે. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારીએ અનિયમિત આવતા તલાટી સહિતના કર્મચારીઓ સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.