ચીન આપણુ દુશ્મન ન હોવાના સેમ પિત્રોડાના નિવેદનથી વિવાદ સર્જાયો
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના મનાતા સેમ પિત્રોડાએ એક મોટો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. સેમ પિત્રોડાએ કહ્યું છે કે ચીન તરફથી ખતરો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ હોય છે. તેમનું કહેવું છે કે ભારતે ચીનને પોતાનો દુશ્મન માનવું બંધ કરવું જોઈએ. પિત્રોડાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે પાડોશી દેશને ઓળખીએ અને તેનું સન્માન કરીએ. ભારત-ચીન સંબંધો પર પિત્રોડાએ કહ્યું કે ભારતે પોતાની માનસિકતા બદલવાની અને ચીન દુશ્મન છે તેવી ધારણા છોડી દેવાની જરૂર છે.
પિત્રોડાએ કહ્યું કે ભારતનો અભિગમ હંમેશા સંઘર્ષપૂર્ણ રહ્યો છે, જે દુશ્મનાવટ પેદા કરે છે. આ વિચારસરણી બદલવી જોઈએ, એવું જરૂરી નથી કે આપણે હંમેશા ચીનને દુશ્મન માનીએ અને આ ફક્ત ચીન માટે જ નહીં પરંતુ દરેક માટે હોવું જોઈએ. સેમ પિત્રોડાએ કહ્યું, મને ખબર નથી કે ચીનથી શું ખતરો છે. મને લાગે છે કે આ મુદ્દો ઘણીવાર અતિશયોક્તિપૂર્ણ રીતે ઉડાડવામાં આવે છે, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સે હંમેશા દુશ્મનને ઓળખવો પડે છે.
કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે હવે બધા દેશો માટે એક સાથે આવવાનો સમય આવી ગયો છે. આપણે શીખવાની, વાતચીત કરવાની, સહયોગ કરવાની અને સાથે મળીને કામ કરવાની જરૂર છે, આપણે આદેશ અને નિયંત્રણની માનસિકતાથી આગળ વધવાની જરૂર છે. ચીન ચારે બાજુ છે, ચીન ઉભરી રહ્યું છે, આપણે આને ઓળખવું અને સમજવું પડશે. દરેક દેશ આગળ વધી રહ્યો છે, કેટલાક ઝડપથી, કેટલાક ધીમા, જે ખૂબ ગરીબ છે તેમને ઝડપથી વિકાસ કરવો પડશે અને જે ધનવાન છે તેઓ ધીમા વિકાસ કરશે, જે વિકસિત છે તેમની વસ્તી વૃદ્ધ હશે જ્યારે વિકાસશીલ દેશોમાં યુવાન વસ્તી હશે. આપણે આ બધી બાબતોને એકસાથે જોવી પડશે.
પિત્રોડાની આ ટિપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે તાજેતરમાં થયેલી મુલાકાત બાદ આવી છે, જેમાં ભારત-ચીન સરહદી તણાવ અંગે ચર્ચા થઈ હતી. 13 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જે દર્શાવે છે કે અમેરિકા પરિસ્થિતિને શાંત કરવામાં પોતાની ભૂમિકા ભજવવા તૈયાર છે. ભારતે ટ્રમ્પના આ પ્રસ્તાવને તાત્કાલિક નકારી કાઢ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, અમારા કોઈપણ પડોશી દેશ સાથે અમારા ગમે તે મુદ્દાઓ હોય, અમે હંમેશા તેને દ્વિપક્ષીય રીતે ઉકેલવાનો પ્રયાસ કરીએ છીએ. ભારત અને ચીન વચ્ચે પણ આવી જ સ્થિતિ છે. અમે દ્વિપક્ષીય સ્તરે અમારા મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ અને આમ કરતા રહીશું.