ઈલેક્ટ્રિક વાહનો પરની સબસિડી બંધ કરાતા ઈલે.વાહનોના વેચાણમાં 60 ટકાનો ઘટાડો
- સોલાર રૂફટોપ પર સબસિડી મળે છે તો ઈલે, વાહનો પર કેમ નહીં?
- રાજકોટમા વર્ષ 2023માં 7624 વાહનો નોંધાયા હતા
- વર્ષ 2024માં માત્ર 3129 ઈલે. વાહનો નોંધાયા
રાજકોટઃ પેટ્રોલ અને ડીઝલના વાહનોને કારણે વધતા પ્રદૂષણને નાથવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક સંચાલિત વાહનોને વધુ પ્રોત્સાહન મળે અને લોકો વધુ ઈલે, વાહનો ખરીદે તે માટે સબસિડી આપવામાં આવતી હતી. તેના લીધે ઈલેક્ટ્રિક ટૂ અને ફોરવ્હીલ વાહનોના વેચાણમાં વધારો થયો હતો. પણ ત્યારબાદ સરકારે એકાએક ઈલેક્ટ્રિક વાહનોમાં અપાતી સબસિડી બંધ કરી દેતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે.
રાજ્યમાં પર્યાવરણીય સમસ્યાઓને ધ્યાનમાં લેતા અને ઈંધણની વધતી જતી માંગને પહોંચી વળવા ઈ-વાહનોનો ઉપયોગ વધારવા ઉપર પણ સરકાર ભાર આપી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણ બચાવવા માટે સરકારનું બેવડું વલણ હોવાની વાત સામે આવી છે. એકબાજુ જે વીજગ્રાહકો પોતાના છત ઉપર સોલાર રૂફ્ટોપ ફિટ કરાવે તો તેને રૂ.78 હજાર સુધીની સબસીડી મળી રહી છે જ્યારે બીજી બાજુ પ્રદૂષણ અટકાવતા ઈલેક્ટ્રિક વાહનમાં આશરે છેલ્લા 6 મહિનાથી સબસીડી બંધ કરી દેવાતાં ઈલેક્ટ્રિક ટુ વ્હિલરનું વેચાણ એક જ વર્ષમાં આશરે 60% જેટલું ઘટી ગયું છે. ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ઉપર સરકાર આશરે રૂ.20 હજાર સબસીડી આપતી હતી. રાજકોટમાં વર્ષ 2023માં 7624 ઈલેક્ટ્રિક વાહન RTOમાં નોંધાયા હતા, જે વર્ષ 2024માં ઘટીને 3129 થઇ ગયા! શહેરમાં આશરે 1.25 લાખ વીજગ્રાહકોએ છત પર સોલાર રૂફ્ટોપ નખાવ્યું અને સબસીડીનો પણ લાભ લીધો હતો. ઇલેક્ટ્રિક વાહનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં ઈલેક્ટ્રિક ટુ વ્હિલર ઉપરની આશરે રૂ.20 હજારની સબસીડી બંધ કરી દેવાતાં વાહનચાલકો ઓછો રસ દાખવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ સૂર્ય ઘર યોજનામાં 2 કિલોવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલો લગાવવા માટે રૂ.30 હજાર, 3 કિલોવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલ લગાવવા માટે રૂ.48 હજાર તેમજ 3 કિલોવોટ કે તેથી ઉપરની પેનલ લગાવવા માટે રૂ.78 હજારની સબસીડી આપવામાં આવે છે. સોલાર રૂફ્ટોપ લગાવવાનું પ્રમાણ છેલ્લે કેટલાક સમયથી ખુબ વધ્યું છે. સોલારનો ઉપયોગ કરનારા અનેક ગ્રાહકો છે જે પોતાની જરૂરિયાતથી વધુ વીજળી ઉત્પન્ન કરી વીજકંપનીને રૂ. 2.25 રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી વેચે છે અને આવક પણ મેળવે છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટમાં આશરે સવા લાખ વીજગ્રાહકોએ સોલાર પેનલ લગાવી હોવાનું જાણવા મળ્યું છે. પર્યાવરણ અને સૃષ્ટિના જતન માટે સરકારે સોલાર રૂફટોપ યોજના જાહેર કરી છે. ધારો કે કોઈ વીજગ્રાહક એક કિલોવોટનું સોલાર રૂફટોપ ફિટ કરાવે તો આ સિસ્ટમ દરરોજ 4 યુનિટ એટલે મહિને 120 યુનિટ ઊર્જા ઉત્પન્ન કરશે. સૌરાષ્ટ્રમાં આશરે અઢી લાખ વીજગ્રાહકો એવા આત્મનિર્ભર છે જે વીજળી માટે પીજીવીસીએલ ઉપર આધાર રાખતા નથી, પરંતુ પોતે જ સોલાર રૂફટોપ લગાવીને વીજળી ઉત્પન્ન કરી પીજીવીસીએલને વેચે છે. રાજકોટ શહેરમાં આશરે 1.25 લાખ વીજગ્રાહકોએ છત પર સોલાર રૂફ્ટોપ નખાવી સબસિડીનો પણ લાભ લીધો છે. બીજીબાજુ રાજકોટ RTOમાં વર્ષ 2023માં 7624 ઈલેક્ટ્રિક વાહન નોંધાયા હતા, જે વર્ષ 2024માં ઘટીને 3129 થઇ ગયા છે. છેલ્લા 6 મહિનાથી EVનાં વાહનોની નોંધણી ઓછી થઇ છે
આરટીઓ કચેરીના સૂત્રોના કહેવા મુજબ રાજકોટ આરટીઓમાં છેલ્લા આશરે 6 મહિનાથી ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી ઓછી થઇ છે. નવા વાહનોનું રજિસ્ટ્રેશન આરટીઓમાં કરાવવું પડે છે. અગાઉ ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી વધુ થતી હતી પરંતુ હવે ઘટી છે.