યુક્રેન પર રશિયાનો બેલિસ્ટિક મિસાઈલથી હુમલો, 32 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર ફરી એકવાર ભીષણ હુમલો કર્યો છે.. યૂક્રેનના સુમી શહેર પર થયેલા હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે.. ઉત્તરપૂર્વીય યુક્રેનના સુમી શહેર પર રશિયન બેલિસ્ટિક મિસાઈલ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ હુમલામાં શહેરના મેયરનો જીવ પણ માંડ માંડ બચ્યો હતો.. આ હુમલો ત્યારે થયો છે, જ્યારે લોકો પામ સન્ડે નિમિત્તે ચર્ચની પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યા હતા...ઉલ્લેખનીય છે કે, આ બેલિસ્ટિક મિસાઈલ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
રશિયાના વિદેશ પ્રધાને આરોપ મૂક્યો કે, મંત્રણા શરૂ કરવામાં આવ્યા પછી પણ યુક્રેન દરરોજ રશિયા પર હુમલા કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેનના વિદેશ પ્રધાને કહેવું છે કે, મર્યાદિત હુમલા કરવા અંગે સંમત થયા પછી પણ રશિયાએ યુક્રેનમાં 70 મિસાઇલ, 2200 ડ્રોન, 6000 એરિયલ બોમ્બ છોડયા છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા દ્વારા બે બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હોવાના રિપોર્ટને સમર્થન આપ્યું હતું. તેમનું કહેવું છે કે, આ હુમલામાં અનેક લોકોનાં મૃત્યુ થયા છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રાથમિક માહિતી મુજબ અનેક નાગરિકોનાં મોત થયા છે અને અનેક નાગરિકો ઘાયલ થયા છે. ક્રૂર લોકો જ સામાન્ય નાગરિકોના પ્રાણ આવી રીતે લઇ શકે છે.
છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવી કરવામાં આવેલો આ રશિયાનો બીજો હુમલો છે. આ અગાઉ તારીખ 4 એપ્રિલે ઝેલેન્સ્કીના હોમ ટાઉન ક્રીવી રિહમાં કરવામાં આવેલા હુમલામાં 9 બાળકો સહિત 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે વિશ્વના દેશોની પ્રતિક્રિયા માગી હતી અને કહ્યું છે કે, મંત્રણા છતાં બેલિસ્ટિક અને હવાઇ બોમ્બના હુમલા બંધ થયા નથી. એક આતંકવાદી સામે જે કાર્યવાહી કરવામાં આવે છે તેવી કાર્યવાહી રશિયા સામે કરવાની જરૂર છે.