50 જેટલા મુસાફરોને લઈ જતું રશિયન વિમાન ચિનની સરહદ નજીક ક્રેશ, તમામના મોત
રશિયાનું એક પેસેન્જર વિમાન ગુરુવારે (24 જુલાઈ) ગુમ થયું હતું, પરંતુ હવે એક અપડેટ પ્રાપ્ત થયું છે કે વિમાન ક્રેશ થયું છે. રોઇટર્સના રીપોર્ટ મુજબ, આ પેસેન્જર વિમાનમાં 50 લોકો સવાર હતા. અંગારા એરલાઇન્સની ફ્લાઇટ ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જઈ રહી હતી, પરંતુ વચ્ચે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે રશિયન મીડિયાએ દાવો કર્યો છે કે વિમાનનો કાટમાળ મળી આવ્યો છે.
રશિયન ન્યુઝ એજન્સી ઇન્ટરફેક્સના અહેવાલ મુજબ, રશિયાનું An-24 પેસેન્જર વિમાન ટિંડા એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ તેનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો. તે બીજા પ્રયાસ માટે આકાશમાં ચક્કર લગાવી રહ્યું હતું અને ત્યારબાદ તે ગુમ થઈ ગયું. પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી અનુસાર, વિમાનમાં પાંચ બાળકો સહિત 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.
પાંચ બાળકો સહિત 43 પેસેન્જરના મોતની આશંકા
પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ 43 પેસેન્જર સવાર હતા. તેમજ છ ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતાં. તમામ જરૂરી સુરક્ષા અને બચાળ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. સ્થાનિક બચાવકાર્યમાં જોડાયેલા લોકોએ પણ પ્લેન ક્રેશની હાલત જોઈને સવાર તમામના મોત થયા હોવાની ભીતિ વ્યક્ત કરી છે.
વિમાન દુર્ઘટના અંગે એરપોર્ટ અધિકારીઓએ આપી મહત્વપૂર્ણ માહિતી
ટિંડા એરપોર્ટના અધિકારીઓએ કહ્યું છે કે પાયલોટ બીજી વખત લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની ભૂલ અંગે શંકા છે. અંગારા એરલાઇન્સનું આ વિમાન અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું.