રશિયાનો યુક્રેન ઉપર મોટો હુમલો, 574 ડ્રોન અને 40 મિસાઈલોથી કરાયો હુમલો
પશ્ચિમી દેશો દ્વારા યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે, રશિયાએ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે. યુક્રેનિયન વાયુસેનાએ આ હુમલાનું વર્ણન કરતા કહ્યું કે, રશિયન સેનાએ મોટાભાગના હુમલા દેશના પશ્ચિમી વિસ્તારોને લક્ષ્ય બનાવીને કર્યા છે. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે રશિયાએ તેમના પર 574 ડ્રોન અને 40 મિસાઇલોથી હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ માર્યો ગયો અને 15 અન્ય ઘાયલ થયા છે. દરમિયાન યુક્રેનના વિદેશ પ્રધાન આન્દ્રે સિબિહાએ પણ આ હુમલાઓ અંગે એક નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ પશ્ચિમ યુક્રેનમાં એક મુખ્ય અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક પર હુમલો કર્યો છે.
રશિયા દ્વારા આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત પશ્ચિમી દેશો રશિયા-યુક્રેન સંઘર્ષને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા બાદ, ટ્રમ્પે સોમવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓ સાથે બેઠક કરી હતી. ટ્રમ્પે આ બેઠક દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈપણ પ્રકારના યુદ્ધવિરામને લાગુ કરવાને બદલે સીધા શાંતિ કરાર પર જવા માંગે છે. જોકે, આ સમય દરમિયાન તેઓ અને યુરોપિયન નેતાઓ સંમત થયા હતા કે શાંતિ કરારના બદલામાં ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે યુક્રેનને કેટલીક સુરક્ષા ગેરંટી આપી શકાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પાછળથી કહ્યું કે આગામી 10 દિવસમાં યુક્રેનની સુરક્ષા ગેરંટી પર ચર્ચા કરવામાં આવશે અને રશિયા સાથે વધુ ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચામાં યુરોપિયન દેશોના નેતાઓ સાથે યુએસ વહીવટીતંત્ર પણ હાજર રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને સોંપવામાં આવી છે. રશિયા હવે શાહિદ ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને ગ્લાઇડ બોમ્બનો ઉપયોગ કરીને યુક્રેનિયન શહેરો પર સતત હુમલો કરી રહ્યું છે. આનાથી યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી પર ઘણું દબાણ આવ્યું છે. તાજેતરમાં, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું હતું કે યુક્રેનમાં હવે ક્યાંય શાંતિ નથી. છેલ્લા કેટલાક સમયથી રાજધાની કિવ અને અન્ય વિસ્તારો પર ડ્રોન હુમલાઓ વધી ગયા છે.