આધાર કાર્ડને લઈને બદલાયા નિયમો, ચૂકવવામાં આવતી ફીને લઈને પણ થયા ફેરફારો
નવા મહિનાની શરૂઆત સાથે જ ભારતીય નાગરિકોની ઓળખ સાથે જોડાયેલા સરકારી દસ્તાવેજ આધાર કાર્ડને લઈને પણ નિયમો બદલાઈ ગયા છે. નિયમોમાં નવા ફેરફાર સાથે હવે આધાર કાર્ડધારકને આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર માટે આધાર કાર્ડ સેન્ટર જવાની જરૂર નહીં રહે. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ અનુસાર, યુઝર્સ માટે પ્રક્રિયાને સરળ અને સહજ બનાવવા માટે હવે આધાર કાર્ડધારકની ડેમોગ્રાફિક જાણકારીઓ ઓનલાઈન જ અપડેટ કરાવી શકાશે. આધાર કાર્ડધારક હવે પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઇલ નંબર જેવી જાણકારીઓને ઓનલાઈન જ અપડેટ કરી શકશે. આ ઉપરાંત, આધાર કાર્ડધારકો માટે 31 ડિસેમ્બર, 2025 પહેલા તેમનું પાન કાર્ડ આધાર સાથે લિંક કરાવવું આવશ્યક રહેશે.
યૂઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ફિંગરપ્રિન્ટ અને ફોટોના બાયોમેટ્રિક અપડેટ માટે રૂ.125 ફી તરીકે ચૂકવવા પડશે. જોકે, જો આધાર કાર્ડધારકની ઉંમર 5-7 વર્ષ છે અને આ અપડેટ પહેલીવાર કરાવવામાં આવી રહ્યું છે, તો સેવા નિઃશુલ્ક રહેશે. એ જ રીતે, 15-17 વર્ષના કાર્ડધારકોને બે વાર અપડેટ કરાવવાની સ્થિતિમાં પણ કોઈ પણ પ્રકારનું કોઈ ચૂકવણું કરવું પડશે નહીં. આ ઉપરાંત, જો કાર્ડધારક એનરોલમેન્ટ નંબર, જાતિ/લિંગ, જન્મ તારીખ, સરનામું, મોબાઇલ અને ઇમેઇલ એડ્રેસને લઈને ડેમોગ્રાફિક અપડેટ કરાવે છે, તો બાયોમેટ્રિક અપડેટ સાથે તે નિઃશુલ્ક રહેશે અને અલગથી કરાવવા પર રૂ.75 ફી તરીકે ચૂકવવા પડશે.
આધાર કાર્ડધારક પોતાની ઓળખ અને સરનામા સાથે જોડાયેલા પુરાવા અથવા નામ, જાતિ/લિંગ અને DOB માટેના દસ્તાવેજોને આધાર પોર્ટલ પર કોઈ પણ શુલ્ક વિના સબમિટ કરી શકે છે. જોકે, આ સુવિધા 14 જૂન 2026 સુધી જ નિઃશુલ્ક રહેશે. આધાર રિપ્રિન્ટ કરાવવા માટે હવે રૂ.40 ફી તરીકે ચૂકવવા પડશે. આ ઉપરાંત, આધાર કાર્ડ માટે પહેલા અરજદાર માટે હોમ એનરોલમેન્ટ સર્વિસનો ચાર્જ રૂ.700 હશે. તે જ સરનામે અન્ય વ્યક્તિઓ માટે આ ચાર્જ પ્રતિ વ્યક્તિ રૂ.350 હશે.