ગાંધીનગરમાં જુના સચિવાલયમાં RTOની ડ્રાઈવ, 40 હજારનો દંડ વસુલાયો
- હેલ્મેટ, પીયુસી, વીમો સહિતની આકસ્મિક તપાસમાં કર્મચારીઓ ઝપટે ચડ્યાં
- આરટીઓ અધિકારીઓ સચિવાલયના ગેટ પાસે ઊભા રહ્યા
- 18 વાહનચાલકો પાસે વાહનોના પુરતા ડોક્યુમેન્ટ નહોતા
ગાંધીનગરઃ શહેરમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું યોગ્યરીતે પાલન કરે તે માટે સમયાંતરે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવતું હોય છે. છેલ્લા બે-ચાર દિવસથી આરટીઓ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં નવા સચિવાલય નજીક વાહનચેકિંગ કરાયા બાદ આરટીઓ દ્વારા જુના સચિવાલયમાં ગેટ પાસે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 18 વાહન ચાલકો નિયમોનું પાલન નહી કરતા હોવાથી તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. હેલ્મેટ, વીમો, પીયુસી સહિતની દસ્તાવેજો ન હોવાથી તેમજ નિયમોના ભંગ બદલ વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા 40 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જોકે ગત શુક્રવારે નવા સચિવાલયના ગેટ પાસે પણ આકસ્મિક ચેકિંગ કરીને 56 વાહન ચાલકો પાસેથી આરટીઓએ રૂપિયા 2 લાખનો દંડ વસુલ કર્યો હતો.
ગાંધીનગરના માર્ગો ઉપર દોડતા ટુ અને ફોર વ્હિલરના ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને રોડ ઉપર વાહન હંકારે તે માટે આરટીઓ કચેરી દ્વારા અવરનેસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેમાં રોડ સેફ્ટીના ભાગરૂપે આરટીઓ ઇન્સ્પેક્ટરોની ટીમે ઓફિસ અવર્સ દરમિયાન જુના સચિવાલયના ગેટમાંથી વાહન સાથે પ્રવેશતા કર્મચારીઓ દ્વારા આરટીઓના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. કે, નહી તેની ચકાસણ કરવામાં આવી હતી. તેમાં આરટીઓએ હેલ્મેટ પહેર્યા વિના જ પ્રવેશ કરતા કર્મચારીઓને હેલ્મટ નહી પહેરેલા, આરટીઓ વિમો કે પીયુસી કઢાવેલું નથી તેવા ટુ વ્હિલર ચાલકોને પકડીને આરટીઓ કચેરી દ્વારા દંડનિય કાર્યવાહીના ભાગરૂપે રૂપિયા 40 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.
આરટીઓ કચેરી દ્વારા ગત શુક્રવારે પણ નવા સચિવાલયના ગેટ પાસે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. તેમાં આરટીઓના નિયમોનું પાલન નહી કરના 56 વાહન ચાલકો પાસેથી કુલ રૂપિયા 2 લાખનો દંડનીય રકમ વસુલવામાં આવી હતી. આરટીઓની રોડ સેફ્ટી અંતર્ગત અવરનેશ કાર્યક્રમ આગામી સમયમાં નગરના અલગ અલગ જગ્યાએ યોજવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે.