ભાવનગર-સોમનાથ હાઈવે પર અકસ્માતના બનાવો રોકવા RTOનું ચેકિંગ
- ઓવરસ્પીડમાં ચલાવાતા વાહનોને મેમો અપાયા
- 610 જેટલા ભારે વાહનોને બ્રેકલાઈટ, રેડિયમ પટ્ટી અને ઓવરલોડને લીધે દંડ કરાયો,
- નિયમ વિરૂદ્ધ ચલાવતા વાહનચાલકો પાસેથી 30 લાખનો દંડ વસુલ કરાયો
ભાવનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતના કેસમાં ઓવરસ્પિડ ડ્રાઈવિંગ, ભારે વાહનો પાછળ બ્રેકલાઈટ કે રેડિયમ પટ્ટી ન હોવી, ઓવરટેક, વગેરે કારણો જવાબદાર હોય છે. ત્યારે નિયમ વિરૂદ્ધ વાહનો ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા આરટીઓ દ્વારા ભાવનગર- સોમનાથ હાઈવે પર ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં 610 ભારે વાહનચાલકો સામે ગુનો નોંધીને 30 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.
ભાવનગર આર.ટી.ઓ. દ્વારા જિલ્લાભરમાં થતાં અકસ્માતોની વણઝારને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પુરપાટ ઝડપે નિયમનો ઉલાળીયો કરી હાઇવે પર દોડતા ભારે વાહનના ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. ગત માસ દરમિયાન આર.ટી.ઓ. દ્વારા જુદી જુદી ટીમો બનાવી 610 જેટલા વાહન ચાલકોને રેડિયમ, સાઇડ લાઇટ તેમજ ઓવરલોડ સહિતના મેમો ફટકારી, ત્રીસ લાખથી વધુનો દંડ ફટકારતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ઉપર છેલ્લા છ માસ દરમિયાન દસથી વધુ નિર્દોષ લોકોએ ગંભીર અકસ્માતમાં જીવ ગુમાવવો પડ્યો છે. આ હાઇવે ઉપર ઓવરટેક કરવી તેમજ યુ-ટર્નને બદલે નિયમ વિરૂદ્ધ અધવચ્ચેથી રોડ ક્રોસ કરવો જેવા કિસ્સામાં ગંભીર અકસ્માતો સામે આવ્યા હતા જે અકસ્માતોમાં નિર્દોષ લોકો જીવ ન ગુમાવે તેને લઇને ભાવનગર આર.ટી.ઓ. દ્વારા સમયાંતરે કડક હાથ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર તેમજ જિલ્લામાં અને નેશનલ હાઇવે ઉપર જતાં ભારે વાહન ચાલકો વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય શહેરમાં પણ જુદી જુદી ટીમો બનાવી રોંગસાઇડ, હેલ્મેટ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ટ્રકો, બસો તેમજ અન્ય વાહન ચાલકોમાં રોડ સેફ્ટી અંતર્ગત રેડીયમ, સાઇડ લાઇટ, વાહનની આગળ-પાછળ બમ્પર લગાવવા, ઓવરલોડ, ફિટનેસ, પરમીટ જેવું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નિયમ વિરૂદ્ધ ચાલતા વાહન ચાલકોને મેમા ફટકાર્યા હતા. (File photo)