અમદાવાદમાં 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે 3.90 કરોડનો ખર્ચ કરાશે
- એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુરી અપાઈ,
- બ્રિજ તોડવાની કામગીરી પહેલા ટ્રાફીક સર્વે કરાશે,
- છ મહિનામાં હાટકેશ્વર બ્રિજ સંપૂર્ણપણે તૂટી જશે,
અમદાવાદઃ શહેરમાં પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજ 42 કરોડના ખર્ચે બનાવ્યા બાદ બ્રિજ ક્ષતિગ્રસ્ત બનતા કોન્ટ્રાકટની લાપરવાહી અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. અને આ મામલે ભારે હોબાળો મચતા તેમજ સ્ટ્રકચર નિષ્ણાતોના રિપોર્ટ બાદ નવો બ્રિજ તોડી નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ હવે 42 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે 3.90 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
શહેરમાં સૌથી વિવાદાસ્પદ બનેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય કરાયા બાદ અંતે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે. 42 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજને તોડવા માટે રૂ. 3.90 કરોડમાં મુંબઈની પેઢીને કામ સોંપવામાં આવ્યું છે. મ્યુનિ.કોર્પોરેશને અલગ અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થતા તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો. જે આગામી ત્રણ મહિનામાં તોડી પડાશે.
હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે હાટકેશ્વર બ્રિજ તોડી અને નવો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરી પરંતુ કોઈ બીડર આવ્યા નહોતા ત્યારબાદ હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં ચાર જેટલી એજન્સીઓ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું. ચાર કંપનીઓમાંથી ત્રણ કંપનીઓ ટેકનિકલ ક્વોલીફાઈ થઈ હતી હાટકેશ્વર બ્રિજ તોડવા માટે ત્રણ જેટલી કંપનીઓમાં સૌથી ઓછો શ્રી ગણેશ કન્સ્ટ્રકશન નામની કંપની દ્વારા રૂ. 7.90 કરોડનો અંદાજ આપવામાં આવ્યો હતો. જેમાં 3.90 કરોડના ખર્ચે આ બ્રિજ તોડવામાં આવશે ચાર કરોડ રૂપિયા બ્રિજ તોડવાથી જે સ્ટીલ વગેરે મટીરીયલ હશે તે તેની રિકવરીનાં મળશે. બ્રિજના ડીમોલેશનની મેથડોલોજી ટેન્ડર શરત મુજબ તેઓના ડિઝાઇન કન્સલ્ટન્ટ દ્વારા બનાવવાની કામગીરી ચાલુ છે.
આઈ.આઈ.ટી ગાંધીનગરને પણ ડીમોલીશનની મેથોડોલોજી તેમજ ડીઝાઇનની ચકાસણી કરવા ઓફર આપવામાં આવી છે. બ્રિજ તોડવાની કામગીરી પહેલા ટ્રાફીક સર્વે, જી.એ.ડી બનાવવાની કામગીરી અને ડીમોલેશનની મેથડોલોજી અને કામગીરી ચાલુ કરવા સંદર્ભે તૈયારીના ભાગ રૂપે રાખવામાં આવી છે. જેથી ચોમાસા બાદ આ સમગ્ર પ્રક્રિયા શરૂ થશે. છ મહિનામાં આ બ્રિજ સંપૂર્ણપણે તૂટી જશે.