જુનાગઢના ગિરનાર પર્વતની રોપવે સેવા 7મી ઓક્ટોબરથી ત્રણ દિવસ બંધ રહેશે
- મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય,
- 10મી ઓક્ટોબરથી રોપવે સેવા પુનઃ શરૂ થશે,
જૂનાગઢઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસન સ્થળ ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સલામતી માટે રોપ-વેના મરામતની જરૂર ઊભી થતા ગિરનાર પર્વત પર આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રોપ-વેની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગિરનાર રોપ-વેના મેન્ટેનન્સ(જાળવણી)ની કામગીરીને લીધે આગામી સાતમી, આઠમી અને નવમી ઑક્ટોબર એમ ત્રણ દિવસ માટે રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબરથી પ્રવાસીઓ માટે રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ ત્રણ દિવસ દરમિયાન પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો રોપવેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં.
ગિરનાર રોપવે શરૂ થયા પછી પ્રવાસીઓ માટે પર્વત પર પહોંચવું વધુ સરળ બન્યું છે. ખાસ કરીને સાસણ ગિર અને સત્તાધાર ફરવા આવતા લોકો પણ રોપવે દ્વારા ગિરનાર પર્વત જાય છે. જો કે, ત્રણ દિવસ રોપવે બંધ રહેતા મા અંબા અને ભગવાન દત્તાત્રેય તેમજ જૈન દેરાસરના દર્શન કરવા આવતાં લોકોને નિરાશાનો સામનો કરવો પડશે. ભક્તોએ પર્વત પર આવેલા આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર સમા મંદિરોમાં દર્શન કરવા માટે સીડીઓ ચઢીને જવું પડશે.