લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર નવા બનાવેલા પુલના 4 વર્ષમાં સળિયા દેખાવા લાગ્યા
- લખતર હાઈવે પર છારદ નજીક ચારેક વર્ષ પહેલા 3 કરોડના ખર્ચે પુલ બનાવ્યો હતો.
- પુલ ઉપરના સ્લેબનું આરસીસી વર્ક પણ ઉખડી ગયું,
- પુલનું તાકીદે સમારકામ કરવાની માગ ઊઠી
સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર છારદ નજીક 4 વર્ષ પહેલા બનાવેલા પુલના સળિયા અને એન્ગલો દેખાવા લાગ્યા છે. ત્યારે આ પુલની ત્વરિત મરામત કરાવવામાં આવે તેવી માગ ઊઠી છે. 25 વર્ષનું આયુષ્ય ધરાવતો આ પુલ પૂરા 5 વર્ષ પણ નથી થયા અને જર્જરિત થવાની શરૂઆત થઈ છે. તેથી આ કામ અંગે તાત્કાલિક અને ન્યાયિક તપાસ થાય તેવી પણમાંગ ઊઠી છે
લખતર - વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર છારદ નજીક એક પુલ આવેલો છે. આ પુલના કામની પોલ ઓછા સમયમાં જ ખુલી ગઈ હોય તેવો ઘાટ સામે આવ્યો છે. કારણ કે પુલ બન્યાને માંડ ચારેક વર્ષ જેટલો પણ સમયગાળો થયો છે. ત્યાં પુલ પરના સ્લેબનું આરસીસી વર્ક પણ ઉખડી ગયું છે. અને પુલના સળિયા દેખાવા લાગતા અકસ્માતની ભીતિ સર્જાઈ રહેલી છે. તેથી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ સમગ્ર રાજ્યમાં જર્જરિત પુલનો સર્વે કરાયો હતો. અને અનેક પુલોના મરામતની કામગીરીઓ ચાલી રહી છે. આવા સમયે લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર છારદ નજીક માત્ર ચારેક વર્ષ પહેલા 3 કરોડના ખર્ચે બનેલ પુલ જર્જરિત થવાની ઘટના સામે આવી છે.
સૂત્રોના કહેવા મુજબ 25 વર્ષની આયુષ્ય ધરાવતો આ પુલ 3 કરોડના ખર્ચે ચારેક વર્ષ પહેલા ફોરલેન રોડના કામ દરમિયાન જ બનાવવામાં આવ્યો છે. તેવામાં હાલમાં આ પુલના એક છેડે સળિયા દેખાઈ રહ્યા છે. તો સ્લેબમાં નાંખવામાં આવેલા એંગલ પણ દેખાઈ રહી છે. ત્યારે 25 વર્ષનું આયુષ્ય ધરાવતો આ પુલ પૂરા 5 વર્ષ પણ નથી થયા અને જર્જરિત થવાની શરૂઆત થઈ છે. તેથી આ કામ અંગે તાત્કાલિક અને ન્યાયિક તપાસ થાય તેવી માંગ ઊઠી છે.