હરિયાણા જમીન સોદા કેસમાં પૂછપરછ માટે રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર થયા
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના સાળા અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા મંગળવારે હરિયાણા જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા.. પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે, વાડ્રા (ઉ.વ. 56) મધ્ય દિલ્હીના સુજાન સિંહ પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાનથી એપીજે અબ્દુલ કલામ રોડ પર આવેલા ED મુખ્યાલય સુધી લગભગ બે કિલોમીટર ચાલીને ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મીડિયાકર્મીઓ પણ હાજર હતા.
પત્રકારો સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, "આ રાજકીય બદલો લેવા સિવાય બીજું કંઈ નથી." જ્યારે પણ હું લઘુમતીઓ માટે બોલું છું ત્યારે તેઓ મને રોકવાનો પ્રયાસ કરે છે, અમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે... તેમણે રાહુલ (ગાંધી) ને સંસદમાં રોકવાનો પણ પ્રયાસ કર્યો. આ એજન્સીઓનો દુરુપયોગ છે અને આ રાજકીય બદલો છે."
તેમણે કહ્યું કે, તેઓ પહેલાની જેમ તપાસ એજન્સીને સહકાર આપશે. સૂત્રોએ જણાવ્યું હતું કે વાડ્રાને આ કેસમાં પહેલી વાર 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા નહીં અને નવી તારીખ માંગી હતી. વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા કેરળના વાયનાડથી કોંગ્રેસના સાંસદ છે.
વાડ્રા સામેની આ તપાસ હરિયાણાના શિકોપુરમાં એક જમીન સોદા સાથે સંબંધિત છે. આ તપાસ ફેબ્રુઆરી 2008 માં થયેલા જમીન સોદા સાથે સંબંધિત છે, જેમાં વાડ્રા સાથે જોડાયેલી કંપની 'સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ' એ ગુરુગ્રામના શિકોહપુરમાં 'ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ' નામની કંપની પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી.
એવો આરોપ છે કે આ જમીનનું પરિવર્તન માત્ર થોડા કલાકોમાં જ થઈ ગયું હતું. હરિયાણા પોલીસે 2018 માં આ સોદા અંગે કેસ નોંધ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધશે. અગાઉ, ફેડરલ તપાસ એજન્સીએ વાડ્રાની એક અલગ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી.