અમદાવાદમાં લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન
- વહેલી સવારે ચિમનભાઈ બ્રિજ પર બન્યો બનાવ
- કાળુપુરથી એક્ટિવા પર લૂંટારૂ શખસો રિક્ષાનો પીછો કરી રહ્યા હતા
- રૂપિયા 13.56 લાખના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાઈ
અમદાવાદઃ શહેરના ચિમનભાઈ બ્રિજ પર એક્ટિવા પર આવેલા લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાનું સોનાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. મહિલા કાળુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેઠી હતી. અને પર્સમાં રૂપિયા 13.56 લાખના સોનાના દાગીના હતા. આ બનાવની રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુંબઈથી ટ્રેનમાં આવેલી મહિલા કાળુપુર રેલવે સ્ટેશને ઉતરીને રિક્ષામાં તેના પરિવાર સાથે સાબરમતી પોતાના ઘેર જઈ રહી હતી. મહિલાના ભત્રીજીના લગ્ન હોવાથી મુંબઈથી સાનાના દાગીના બનાવીને પર્સમાં મુક્યા હતા, અને રિક્ષામાં પોતાના ઘેર જઈ રહેલી મહિલાએ પોતાના ખોળામાં પર્સ રાખ્યુ હતું. રિક્ષા ચિમનભાઈ બ્રિજની વચ્ચે પહોંચી ત્યારે એક્ટિવા ઉપર આવેલા 2 લૂંટારુ શખસોએ મહિલાએ ખોળામાં મુકેલુ રૂ.13.56 લાખની મત્તા ભરેલું પર્સ ઝૂંટવીને ભાગી ગયા હતા. આ અંગે રાણીપ પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાબરમતી જવાહર ચોક આરાધના પાર્ક સોસાયટીમાં રહેતા રમેશકુમાર ઘેવરચંદ બોકડિયા (જૈન) (ઉં.વ 51) ઓઢવમાં ભંગારનો ધંધો કરે છે. રમેશકુમારના મોટા ભાઈ ગૌતમચંદની દીકરી કરિશ્માના જૂન મહિનામાં લગ્ન લીધા હતા, જેથી તેને કરિયાવરમાં આપવા માટે રમેશકુમાર અને પત્ની પુષ્પાદેવીએ 154 ગ્રામ સોનું ભેગું કર્યુ હતુ. જેમાં સોનાના બિસ્કિટ તેમજ અન્ય દાગીનાનો સમાવેશ થાય છે. કરિશ્માના લગ્ન નજીક હોવાથી રમેશકુમાર, પુષ્પાદેવી દીકરી હિત (ઉ,વ 7) ને લઈને તે સોનાના દાગીનામાંથી નવા દાગીના કરાવવા માટે મુંબઈ ગયા હતા. તે પહેલા તેઓ બે દિવસ માટે મોટી દીકરી ના ઘરે સૂરત રોકાયા હતા. મુંબઈમાં ઝબેરી બજારમાં આવેલા મોહનલાલ ઓટરમલ જવેલર્સમાં થોડુ સોનુ અને દાગીના આપીને સામે નવા દાગીના ખરીદ્યા હતા. તે સાથે બે લેડીઝ ઘડિયાળ પણ ખરીદી હતી. મુંબઈથી દાગીના લઈને ત્રણેય ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. બુધવારે સવારે 4.20 વાગ્યે તેઓ ટ્રેનમાં કાલુપુર રેલ્વે સ્ટેશન ઉતર્યા હતા અને ત્યાંથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતા. ત્યારે પુષ્પાદેવી રિક્ષામાં પાછળની સીટ ઉપર જમણી બાજુ બેઠા હતા. જ્યારે રમેશકુમાર ડાબી બાજુ અને દીકરી હિત વચ્ચે બેઠી હતી. પુષ્પાબહેને તેમના ખોળામાં એક પર્સ મૂક્યું હતું. તે પર્સમાં રૂ.13.03 લાખની કિંમતના સોનાના દાગીના, રોકડા રૂ.15 હજાર, એક મોબાઈલ ફોન અને 3 ઘડિયાળ(કિંમત રૂ.18 હજાર) મળીને કુલ રૂ.13.56 લાખની મત્તા હતી. રિક્ષા પ્રબોધરાવળ સર્કલ થઈને ચિમનભાઈ બ્રિજની વચ્ચે પહોંચી ત્યારે એક્ટિવા પર બે શખસો રિક્ષા પાસે આવ્યા હતા, જેમાં ચાલક એકટીવા રિક્ષાની બરાબર બાજુમાં ચલાવી રહ્યો હતો ત્યારે પાછળ બેઠેલા લૂંટારુએ પુષ્પાદેવી એ ખોળામાં મુકેલુ દાગીના ભરેલું પર્સ લૂંટી લીધું હતું અને બંને ચિમનભાઈ બ્રિજ ઊતરીને સાબરમતી બાજુ ભાગી ગયા હતા.