For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન મોદીની ભાવનગરની મુલાકાત પહેલા જ રાતોરાત રોડ મરામતના કામો કરાયા

05:48 PM Sep 16, 2025 IST | Vinayak Barot
વડાપ્રધાન મોદીની ભાવનગરની મુલાકાત પહેલા જ રાતોરાત રોડ મરામતના કામો કરાયા
Advertisement
  • પીએમ મોદી 20મી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે,
  • પીએમના રોડ શોને લઈને ચાલતી તડામાર તૈયારીઓ,
  • જવાહર મેદાનમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધશે

ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 20મી સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનો જ્યા રોડ શો યોજવાનો છે. તે રોડ રાતોરાત ડામર પાથરીને રિસરફેસ કરવામાં આવ્યો છે. રોડ પર બેરીકેટ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી ભાવનગરમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભાવનગરમાં રૂ. 100 કરોડથી વધુનાં વિકાસકાર્યોની ભેટ આપશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે 20મી સપ્ટેમ્બરને શનિવારે આવી રહ્યા છે. મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સાથે PMના રોડ શોને પગલે તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવ્યું છે તેમજ બેરિકેડિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના આગમનને પગલે શહેર અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ GMB સાથેના વિવિધ પ્રોજેક્ટ્સ માટે સમજૂતી કરારો MOU પણ કરવામાં આવશે. આ MOU ભાવનગરના દરિયાઈ અને આર્થિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે તેમજ ભાવનગર મહાનગરપાલિકાનાં 2 ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો મહિલા કોલેજથી રૂપાણી સર્કલના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. આ રોડ શો માટે તમામ રસ્તાઓનું સમારકામ અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તેમજ બેરિકેડિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વડાપ્રધાન અને નાગરિકોને કોઈ અગવડ ન પડે. તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનના આ કાર્યક્રમથી ભાવનગરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા છે. આ મુલાકાત દરમિયાન તેઓ કયા કયા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે એ અંગેની વિગતો હજુ સુધી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી. બે દિવસ પહેલાં જિલ્લા કલેક્ટર ડો.મનીષ બંસલે જણાવ્યું હતું કે તા. 20 સપ્ટેમ્બરે ભાવનગરના જવાહર મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં જાહેરસભા યોજાશે. ભારત સરકારના શિપિંગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પોર્ટ એન્ડ શિપિંગને લગતી પોલિસી અંગે તેમજ મહત્ત્વના કેટલાક MOU પણ થવાના છે. આ ઉપરાંત વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા રોડ શો યોજાવાનો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement