ડીસામાં 15 દિવસ પહેલા બનેલો રોડ નર્મદાની પાઈપલાઈન માટે તોડાયો
- નવો નક્કોર રોડ તોડી નંખાતા લોકોએ કર્યો વિરોધ
- સરકારી વિભાગો વચ્ચે સંકલન ન હોવાથી નવો રોડ તોડવો પડ્યો
- લોકોએ નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવ્યો
ડીસાઃ પ્રજાના ટેક્સના ભેગા કરેલા રૂપિયા વેડફવામાં સત્તાધિશો કોઈ દરકાર રાખતા નથી. ડીસા નગરપાલિકા દ્વારા પાટણ હાઈવેથી વિરેન પાર્ક તરફ જતા માર્ગ પર પખવાડિયા પહેલા જ નવો નક્કોર રોડ બનાવ્યો છે. નવો રોડ બનતા વાહનચાલકો અને લોકોએ રાહત અનુભવી હતી. ત્યાંજ નર્મદાની પાઈપલાઈન નાંખવા માટે નવો બનાવેલો રોડ તોડી પડાતા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. બે વિભાગો વચ્ચે સંકલન ન હોવાના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
ડીસામાં નગરપાલિકા તંત્રની બેજવાબદાર કામગીરી સામે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે. શહેરના પાટણ હાઈવેથી વીરેન પાર્ક તરફ જતા માર્ગ પર માત્ર 15 દિવસ પહેલાં જ રોડના રિસરફેસિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. હવે આ નવા રોડને નર્મદાની પાઇપલાઇન નાખવા માટે તોડી પાડવામાં આવ્યો છે. નર્મદાની પાઇપલાઇન પાટણ હાઈવેથી ખોડિયાર પાર્લર થઈને હવાઈ પિલ્લર સુધી નાખવાની છે. આ બાબતે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ કામગીરી માટે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી નથી. સ્થળ પર નગરપાલિકા કે નર્મદા વિભાગના કોઈ કર્મચારી હાજર હોતા નથી.
સ્થાનિક રહીશોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. કે જો પાઇપલાઇન નાખવાની હતી, તો નવો રોડ શા માટે બનાવવામાં આવ્યો? નગરપાલિકાએ આ કામ માટે વર્ક ઓર્ડર કેવી રીતે આપ્યો? આ ઘટના નગરપાલિકા અને નર્મદા વિભાગ વચ્ચે સંકલનના અભાવને ઉજાગર કરે છે. આના કારણે સરકારી નાણાંનો વ્યય થયો છે અને નાગરિકોને અગવડતા પડી રહી છે.