બરેલીમાં તોફાનીઓએ પોલીસને નિશાન બનાવીને પથ્થરમારો અને ફાયરિંગ કર્યું, 10 પોલીસ કર્મચારી ઘાયલ
બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં શુક્રવારની જુમાની નમાજ બાદ થયેલી હિંસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું છે કે આ હિંસાની તૈયારી છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી હતી અને કાવતરા અનુસાર શુક્રવારે અસામાજિક તત્વોએ પથ્થરમારો અને ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટના સ્થળોના CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાવતરા અનુસાર જ હિંસાને અંજામ આપવામાં આવી હતી. આ સમગ્ર કાવતરામાં સામેલ તમામ લોકોની ઓળખ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તમામ ઉપદ્રવીઓ તથા આયોજન કરનારાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસે અનેક શંકાસ્પદ લોકોના CDR તપાસ્યા છે અને સતત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
શુક્રવારે બનેલી આ ઘટનાને લઈને પોલીસે જણાવ્યું હતું કે નમાજ પહેલાં જ ધાર્મિક અનુયાયીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી જેથી શાંતિપૂર્ણ રીતે નમાજ અદા થઈ શકે. પરિણામે, 90-95 ટકા લોકો નમાજ બાદ શાંતિથી ઘરે પાછા ગયા હતું. પરંતુ આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ એકઠા થઈ પથ્થરમારો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. આ ઘટનાની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવી છે, જેના આધારે કેટલાક લોકોને ધરપકડ કરવામાં આવી છે. આ હિંસામાં 10 પોલીસકર્મી ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ પૂર્વ તૈયારીઓ સાથે આવ્યા હતા અને ગોળીબાર તથા પથ્થરમારો કર્યો હતો. આવા તત્વોની ઓળખ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.