નાસિકમાં ધાર્મિક સ્થળ વિશે ફેલાયેલી અફવાઓને પગલે તોફાનીઓએ પોલીસ ઉપર કર્યો પથ્થરમારો
મુંબઈઃ રાત્રે નાસિકના કાઠે ગલી વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વિજળી ગુલ થવાથી અંધારાનો લાભ લઈને ટોળાએ અચાનક પોલીસ અને નજીકમાં પાર્ક કરેલા વાહનો પર પથ્થરમારો શરૂ કરી દીધો. આ હિંસક ઘટનામાં 3થી 4 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. 5 વાહનોને પણ નુકસાન થયું.
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી પડી. પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે રાત્રે લગભગ 500 પોલીસકર્મીને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હંગામો થયો ત્યારે લગભગ 400થી 500 લોકોનું ટોળુ હતું. કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિ ન બને તે માટે પોલીસે આ વિસ્તારનાં ટ્રાફિક રૂટ પણ બદલી નાખ્યા છે. વહીવટી અને પોલીસ અધિકારીઓએ સાથે મળીને પરિસ્થિતિ પર નજર રાખી અને આખી રાત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું.
સમગ્ર મુદ્દાનું મૂળ એક વિવાદાસ્પદ ધાર્મિક સ્થળ છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ પરિસ્થિતિ પ્રવર્તી રહી હતી. કોર્ટના આદેશ બાદ નગરપાલિકાએ પહેલી એપ્રિલે એક અનધિકૃત બાંધકામ પર નોટિસ ફટકારી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો વહીવટીતંત્ર જાતે બાંધકામ દૂર નહીં કરે તો યોગ્ય કાર્યવાહી કરશે. આ ચેતવણી છતાં, ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું ન હતું, જેના કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ અને તમામ પ્રકારની અફવાઓ ફેલાઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક ધાર્મિક સ્થળો પરવાનગી વગર બનાવવામાં આવ્યા હતા અને તેમને તોડી પાડવા માટે નોટિસ જાહાર કરવામાં આવી હતી ત્યારબાદ આ ઘટના બની હતી. આગામી બે દિવસમાં આવા તમામ અનધિકૃત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે. નાસિક પોલીસનું કહેવું છે કે પોલીસ સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે કાર્યવાહી કરી રહી છે. પોલીસ અને વહીવટી કર્મચારીઓની હાજરી હજુ પણ વિસ્તારમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.