બાંગ્લાદેશમાં તોફાનીઓએ હિન્દુ નેતાની નિર્દયતાથી હત્યા કરી, ભારતે લઘુમતીઓની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યાં
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાંથી હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોયનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી. ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી ભાવેશ ચંદ્ર રોય (ઉ.વ 58)નો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો.
આ પ્રકારની ઘટના બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર પ્રશ્નો ઉભા કરી રહી છે. દરમિયાન, ભારતે બાંગ્લાદેશને પણ આડે હાથ લીધું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, બીજાઓની ટીકા કરવાને બદલે, બાંગ્લાદેશે પોતાના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર કરનારા લોકો મુક્તપણે ફરી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.
રોયની પત્ની શાંતાનાએ ધ ડેઇલી સ્ટારને જણાવ્યું કે તેમને સાંજે 4:30 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો. તેમણે દાવો કર્યો હતો કે ગુનેગારોએ ઘરમાં તેમની હાજરીની પુષ્ટિ કરવા માટે આ ફોન કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 30 મિનિટ પછી, ચાર માણસો બે મોટરસાઇકલ પર આવ્યા અને ભાવેશનું અપહરણ કર્યું અને તેને નરબારી ગામમાં લઈ ગયા, જ્યાં તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો.
અહેવાલો અનુસાર, જ્યારે રોયને ઘરે પાછા મુકવામાં આવ્યા ત્યારે તે બેભાન હતો અને પરિવારના સભ્યો તેને દિનાજપુરની એક હોસ્પિટલમાં લઈ ગયા. જોકે, ત્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્યાન પરિષદ એકમના ઉપપ્રમુખ અને આ વિસ્તારના હિન્દુ સમુદાયના અગ્રણી નેતા હતા.