અમદાવાદના ચાંદલોડિયામાં મોડીરાત્રે તોફાની તત્વોએ બે વાહનોને સળગાવી દીધા
- બાઈક પર આવેલા બે શખસોએ પેટ્રોલ છાંટીને બે વાહનોને આગ ચાંપી,
- સ્થાનિક લોકો જાગી જતાં બન્ને શખસો પલાયન,
- પોલીસે સીસીટીવીના કૂટેજ મંળવીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી એક સાસાયટીમાં ગત મધરાત બાદ બાઈક પર આવેલી બુકાનીધારી બે શખસોએ બે વાહનો પર પેટ્રોલ જેવો પદાર્થ છાંટીને આગ વગાવીને નાસી ગયા હતા. આ બનાવની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ જોતા બાઈક પર આવેલા બે અજાણ્યા શખસ આવ્યા હતા. મોઢે રૂમાલ બાંધેલા શખસે આગ લગાવી ફરાર થતો દેખાય છે. ફરિયાદી મહિલાને શંકા છે કે, ભૂતકાળમાં થયેલા એક કેસ મામલે અદાવત રાખી અને આ આગ લગાડવામાં આવી હોય શકે છે. સોલા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી નેતલન પાર્ક સોસાયટીમાં રૂપાબેન વાઘેલા તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘરમાં એક એક્ટીવા અને બાઈક એમ બે વાહન છે. રાત્રિના સમયે આ બંને વાહન તેમના ઘરની બહાર પાર્ક કરેલા હતા. મોડીરાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ રૂપાબેનના પિતા પાણી પીવા માટે જ્યારે ઉઠ્યા ત્યારે તેમણે ઘરની બહાર જોયું તો એક્ટીવા અને બાઈક બંને વાહનમાં આગ લાગેલી હતી. જેથી તેમણે તાત્કાલિક ઘરના સભ્યોને અને આસપાસના લોકોને ઉઠાડ્યા હતા. પાણી છાંટી અને આગને બૂજાવી દેવામાં આવી હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ જોતા જાણવા મળ્યુ હતું કે, 25થી 30 વર્ષની ઉંમરના બે અજાણ્યા શખસ બાઈક લઈને આવ્યા હતા. ઘરની બહાર જે બાઈક પડ્યું હતું તેની પાસે તેમનું બાઈક ઉભું રાખ્યું હતું. ત્યારબાદ એક બાઈક ઉપરથી ઉતરી અને બાઈકને બંધ કરી ત્યાંથી દૂર લઈ ગયો હતો. એક વ્યક્તિ હાથમાં જ્વલનશીલ જેવા પદાર્થની બોટલ બહાર કાઢી અને પાર્ક કરેલા એક્ટીવા તેમજ બાઈક ઉપર નાખ્યું હતું અને માચીસ વડે તેઓએ આગ લગાડી દીધી હતી. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા..
સોલા પોલીસે પૂછતાછ કરતા ફરિયાદી રૂપાબેને જણાવ્યું હતું કે, ભૂતકાળમાં એક કેસ કરવામાં આવેલો હતો. જે કેસની અદાવત રાખી અને અવારનવાર ધમકાવવામાં આવતા હોવાનું અને તેમને હેરાન કરવામાં આવતા હોવાની પણ ઘટનાઓ બની ચૂકી છે ત્યારે અમને શંકા છે કે, આ ભૂતકાળના કેસની અદાવત રાખી અને વાહનોમાં આગ લગાડવામાં આવી હોય શકે છે. સોલા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.