છત્રાલમાં રિક્ષાચાલકનો 4 મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક, એક મહિલા હોમગાર્ડને ગંભીર ઈજા
- ટ્રાફિકમાં ફરજ બજાવતી મહિલા હામગાર્ડે રિક્ષા ખસેડવા સુચના આપી હતી,
- રિક્ષાચાલક ઉશ્કેરાતા તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો,
- આ અંગેની અદાવતમાં રિક્ષાચાલકે હોમગાર્ડ મહિલા પર એસિડ એટેક કર્યો
કલોલઃ તાલુકાના છત્રાલમાં રિક્ષાચાલકે એક સાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો હતો. જેમાં ટ્રાફિકના નિયમનનું કામ કરતી એક હોમગાર્ડ મહિલાને ગંભીર ઈજા થતાં ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે જેની ઓળખ અશોક રાવત તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કલોલમાં છત્રાલ ઓવરબ્રિજ નીચે 18મી જાન્યુઆરી, શુક્રવારની સવારે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપી હતી. આટલી વાતમાં રિક્ષાચાલક ઉશ્કેરાઈને બોલાચાલી કરવા લાગ્યો હતો. એ વખતે અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડી વાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકીને નાસી ગયો હતો. આ ઘટનાથી પાંચેક મહિલા હોમગાર્ડ પણ હેબતાઈ ગઈ હતી. આ હુમલામાં ભાવનાબહેન નામના મહિલા હોમગાર્ડ મોં સહિત શરીર પર ઘણાં દાઝી ગયા છે. હાલ કલોલની સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષાચાલકની ધરપકડ કરી છે.